<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે ૨૪/૭ ઈમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ કર્યો: જેના નંબર છે: ૯૫૯૬૭૭૭૬૬૯, ૦૧૯૩૨૨૨૫૮૭૦, વોટ્સએપ: ૯૪૧૯૦૫૧૯૪૦

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને યુક્રેનના દૂતાવાસે આ હુમલાની નિંદા કરી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બાયસરન વેલીમાં આજે  મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્યે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ૨૮ લોકોના મોત થયા અને ૧૨ લોકો ઘાયલ થયા. આ હુમલામાં બે વિદેશી નાગરિકો, એક ભારતીય નૌસેનાના અધિકારી અને એક ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આતંકવાદીઓએ સૈન્યની વરદીમાં આ હુમલો કર્યો અને ઘોડેસવારી કરતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા. ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ), જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું સ્થાનિક સંગઠન છે,એ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષા દળોએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લઈને આતંકવિરોધી કામગીરી શરૂ કરી.


ઘાયલોને હેલિકોપ્ટર અને સ્થાનિક લોકોની મદદથી ઘોડાઓ પર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પહલગામ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે ૧૨ ઘાયલોની હાલત સ્થિર છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શ્રીનગર પહોંચીને ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી, જેમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા. શાહે જણાવ્યું કે આ હુમલાના ગુનેગારોને કડક સજા કરવામાં આવશે. મોદીએ એક્સ પર લખ્યું, “હું પહલગામના આતંકી હુમલાની કડક નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને નહીં છોડવામાં આવે.”
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાને “નિંદનીય” ગણાવીને કહ્યું કે આ નાગરિકો પરનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ હુમલાની નિંદા કરી અને સુરક્ષા ખામીઓની તપાસની માંગ કરી.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યુએસ વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને યુક્રેનના દૂતાવાસે પણ આ હુમલાની નિંદા કરી.


અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે ૨૪/૭ ઈમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ કર્યો છે, જેના નંબર છે: ૯૫૯૬૭૭૭૬૬૯, ૦૧૯૩૨૨૨૫૮૭૦, વોટ્સએપ: ૯૪૧૯૦૫૧૯૪૦.

 

(11:15 PM IST)