<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

વડાપ્રધાન મોદીએ સાઉદી પ્રવાસ ટૂંકાવ્યો, આતંકી હુમલાની ઘટના બાદ જેદ્દાથી ભારત પરત આવવા રવાના: રાત્રીના યોજાયેલ સત્તાવાર ભોજન સમારંભમાં પણ ભાગ લીધો નહિ

વડાપ્રધાન મોદીનું અચાનક પરત ફરવું દર્શાવે છે કે ભારત સરકાર આતંકવાદની ઘટનાઓને ગંભીરતાથી લઈ રહી છે, અને આકરા પગલાઓ તોળાઇ રહ્યા છે

જેદ્દા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો બે દિવસનો પ્રવાસ અચાનક ટૂંકાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે તેઓ આજે જ જેદ્દાથી ભારત પરત ફરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને આજે રાત્રે આયોજિત રાજ્ય ભોજન સમારંભમાં પણ ભાગ લીધો નથી.

વડાપ્રધાન મોદી સોમવારે સાઉદી અરેબિયાના વાણિજ્યિક કેન્દ્ર જેદ્દામાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેઓ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકો અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવાના હતા. જોકે, પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટનાએ તેમના કાર્યક્રમોને અસર કરી.


આતંકી હુમલાની ગંભીર ઘટનાને કારણે મોદીએ પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આજે રાત્રે આયોજિત રાજ્ય ભોજન સમારંભમાં સામેલ થયા નથી અને જેદ્દાથી દિલ્હી માટે રવાના થયા છે.


મોદીના આગમન વખતે જેદ્દામાં ભારતીય સમુદાયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાઉદી ગાયક હાશિમ અબ્બાસે બોલિવૂડ ફિલ્મ ‘રાઝી’નું ગીત ‘એ વતન’ ગાઈને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ભારતીય ડાયસ્પોરાએ ‘મોદી-મોદી’ના નારા લગાવીને તેમનું અભિવાદન કર્યું હતું. જોકે, આતંકી હુમલાની ઘટનાએ આ ઉત્સાહપૂર્ણ વાતાવરણ પર અસર કરી.


વડાપ્રધાન મોદીનું અચાનક પરત ફરવું દર્શાવે છે કે ભારત સરકાર આતંકવાદની ઘટનાઓને ગંભીરતાથી લઈ રહી છે. અને આગરા પગલાઓ તોળાઇ રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઈ  ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરશે.

 

(11:25 PM IST)