<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ભયાનક દ્રશ્ય : બચાવવા ગયેલા ભારતીય જવાનોને પ્રવાસીઓએ આતંકવાદી સમજી જીવની ભીખ માંગી : જુઓ હૃદયદ્રાવક વિડીયો

પહેલગામમાં આતંકી હુમલા બાદનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો : પતિની હત્યા નજરે જોનારી મહિલાએ બાળકો સાથે ભાગતી વખતે ભારતીય સેનાના જવાનોને આતંકવાદી સમજીને છોડી દેવા વિનંતી કરી : સેનાના જવાનોએ શાંત્વના આપીને બચાવ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હૃદયને હચમચાવી દેનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પહેલગામથી માત્ર છ કિલોમીટર દૂર બૈસરન વેલીમાં થયેલા આતંકી હુમલા બાદ જ્યારે પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા, ત્યારે મહિલાઓ અને બાળકોના એક જૂથને ભારતીય સેનાના કેટલાક જવાનો મળ્યા. જો કે, મહિલાએ તેમને જોતા જ પોતાના બાળકનો જીવ બચાવવા માટે ભીખ માંગવાનું શરૂ કરી દીધું. તેમણે વિચાર્યું કે આ જવાનો પણ આતંકવાદીઓ છે. જ્યારે ભારતીય સેનાના જવાનોએ કહ્યું કે તેઓ ઇન્ડિયન આર્મીમાંથી છે અને તેમની સુરક્ષા માટે આવ્યા છે, ત્યારે એક મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મહિલાએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેના પતિને મારી નાખ્યા.

આ હૃદયદ્રાવક વિડીયો પહેલગામ હુમલા બાદની ભયાનક પરિસ્થિતિને ઉજાગર કરે છે. પોતાની આંખો સામે પતિની ગોળી મારીને હત્યા થયા બાદ પોતાના બાળકોને લઈને આગળ વધી રહેલી મહિલા જ્યારે સેનાના યુનિફોર્મમાં એક વ્યક્તિને જુએ છે ત્યારે તે ડરી જાય છે. એક વ્યક્તિ સાથે વાત કરી રહેલા ભારતીય સેનાના જવાન દ્વારા એવું કહેવા પર કે તેઓ ફોજી છે અને તેમની સુરક્ષા માટે આવ્યા છે, ત્યારે મહિલા ખૂબ જ રડવા લાગે છે. પહેલગામ આતંકી હુમલા બાદ એવો ખુલાસો થયો છે કે છ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો અને આ આતંકવાદીઓ પોલીસ અને સેનાના યુનિફોર્મમાં હતા. આ જ કારણ હતું કે જ્યારે મહિલાનો સામનો ભારતીય સેનાના જવાન સાથે થયો તો તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ભારતીય સેનાના જવાનોએ સમગ્ર જૂથને શાંત્વના આપી, માત્ર પાણી અને પ્રાથમિક સારવાર જ નહીં આપી, પરંતુ બૈસરન વેલીના વિસ્તારમાંથી તેમને સુરક્ષિત રીતે બચાવ્યા પણ હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં ભારતીય સેનાના જવાન તમામ ગભરાયેલા પ્રવાસીઓને બેસવા માટે કહે છે અને ખાતરી આપે છે કે તેમના બાળકોને કંઈ નહીં થાય. મહિલા જણાવે છે કે તે હૈદરાબાદથી આવી છે. વિડીયોમાં બાળકોના ચહેરા પર એટલો ડર દેખાય છે કે કોઈનું પણ હૃદય પીગળી જાય. ભારતીય સેનાના જવાનો તેમને પાણી પીવા માટે આપે છે. પતિની હત્યાથી વ્યથિત પત્ની પોતાને પણ મારી નાખવાની વાત કરે છે. મહિલા સાથે હાજર બાળકો પણ સેનાના જવાનોને જોઈને ડરી જાય છે. આ ઘટના દર્શાવે છે કે આતંકવાદીઓએ પ્રદેશના લોકો અને પ્રવાસીઓમાં કેટલો ભય ફેલાવ્યો છે.

 

(10:13 AM IST)