<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

જમ્‍મુ કાશ્‍મીરમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના મોત

વિનુભાઇ ડાભીને ગોળી વાગતા સારવારમાં : પૂ.મોરારીબાપુની શ્રીરામ કથા સાંભળવા ગયેલ ભાવનગરના વાણંદ પરિવારના અન્‍ય સભ્‍યો સલામત

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: જમ્‍મૂ-કાશ્‍મીરના પહલગામ આતંકી હુમલામાં  ભાવનગરના પિતા-પુત્રના મોત થયા છે. ભાવનગરના યતીન પરમાર અને સ્‍મિત પરમારનું  મોત થયું  છે,હુમલા બાદ પિતા-પુત્ર સંપર્ક વિહોણા થયા હતા ત્‍યારબાદ બંનેના મળતદેહ મળી આવ્‍યા હતા.આ હુમલામાં યતીન પરમારના પત્‍ની પણ ઇજાગ્રસ્‍ત થયા છે.

વિનુભાઈ ડાભીને ગોળી વાગી છે.પૂ. મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા, જોકે અન્‍ય વાળંદ પરિવારનું ૨૦ વ્‍યક્‍તિઓનું ગ્રુપ સલામત છે. કથા શ્રવણ કરવા આવેલા ભાવિકોને બહાર બહુ ના નીકળતા  તેવી પૂ. મોરારીબાપુએ ટકોર પણ કરી હતી.

જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામના બૈસરંગ વિસ્‍તારમાં ગઈકાલે મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અંધાધૂંધ ગોળીબારીમાં ૨૦થી વધુ પર્યટકોના મોત અને ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્‍ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્‍યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્‍સી, પહેલા માળે, ઈ-૧૦૪માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.૬૨)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્‍ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હતા. આ અંગે ભાવનગર જિલ્લા કલેક્‍ટર ડો.મનીષકુમાર બંસલનો સંપર્ક સાધતા તેમણે આતંકવાદી હુમલામાં ભાવનગરના પ્રવાસીને ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યા હોવાની ઘટનાને સમર્થન આપતા ઉમેર્યું હતું કે, જમ્‍મુ-કાશ્‍મીરના વહીવટી તંત્ર, સ્‍થાનિક પોલીસ વગેરે સાથે સ્‍થાનિક તંત્ર સતત સંપર્કમાં છે.

બીજી તરફ ઈજાગ્રસ્‍ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્‍યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું ૨૦ લોકોનું ગ્રુપ ગત તા.૧૬મી એપ્રિલના રોજ ૧૫ દિવસના પ્રવાસે જવા નીકળ્‍યું હતું. પ્રવાસીઓ ભાવનગરથી સુરેન્‍દ્રનગર ગયા હતા અને ત્‍યાંથી જમ્‍મુતાવી કટરા ટ્રેનમાં બેસી શ્રીનગર ખાતે આયોજીત મોરારિબાપુની ભાગવદ્‌ સપ્તાહમાં પહોંચ્‍યા હતા. ત્‍યાંથી  પહેલગામ ફરવા માટે જતાં અચાનક આતંકી હુમલો થયો હતો. હાલ વિનુભાઈ ડાભીની સ્‍થિતિ સામાન્‍ય હોવાનું તથા સ્‍થાનિક વહીવટી-પોલીસ તંત્ર પણ પરિવારના સતત સંપર્કમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ યાત્રાએ ગયેલાં યાત્રિકો વૈષ્‍ણોદેવી, પંજાબ, રાજસ્‍થાન થઈ ૩૦મીએ ભાવનગર પરત આવવાના હતા.

પહેલગામની આતંકી ઘટનામાં ભાવનગરના વળદ્ધને ઈજા થઈ છે, તો કાળિયાબીડના શાંતિનગર વિસ્‍તારમાં રહેતા અને ગ્રુપ સાથે જ જમ્‍મુ-કાશ્‍મીર ફરવા ગયેલા યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ઉ.વ.આ.૪૨) અને તેમનો પુત્ર સ્‍મિતભાઈ યતીશભાઈ પરમાર (ઉ.વ.આ.૨૦) આતંકવાદી હુમલા બાદ લાપતા બન્‍યા હતા. ત્‍યારબાદ બંનેના મૃતદેહ મળ્‍યા હતા.

આતંકવાદી હુમલામાં ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભીને ઈજા થયાની જાણ થતાં પોલીસના ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો, મેયર, ચેરમેન, ભાજપના ધારાસભ્‍ય સહિતના પદાધિકારીઓ ઈજાગ્રસ્‍તના ઘરે ભરતનગર પહોંચ્‍યા હતા. જ્‍યાં ત્‍યાંની પરિસ્‍થિતિ અંગે પરિવારજનોને વાકેફ કરી કોઈ ચિંતા ન કરવા આશ્વાસન આપ્‍યું હતું. ઈજાગ્રસ્‍તના પરિવારજનોની મુલાકાતે આવેલા ભાવનગર રેન્‍જ આઈજી ગૌતમ પરમારે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મહિલા કોન્‍સ્‍ટેબલ શીતલબેન ડાભીના પિતા વિનુભાઈ ડાભીને આતંકવાદી હુમલામાં સામાન્‍ય ઈજા થઈ છે. તેમની સ્‍થિતિ સારી છે. વાતચીત કરી માહિતી મેળવી રહ્યા છે સમગ્ર મામલે તેઓ સીઆરપીએફ, જમ્‍મુ કાશ્‍મીર પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓ સાથે સતત વાતચીત કરી માહિતી મેળવવી રહ્યા છે તેમ રેન્‍જ આઈ જી એ જણાવ્‍યું હતું.

શ્રીનગર પ્રવાસે ગયેલા લોકોની યાદી

ભાવનગરથી જે લોકો શ્રીનગર ગયા છે તેમાં સર્વશ્રી વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી,લીલાબેન વિનુભાઈ ડાભી,ધીરુભાઈ ડાયાભાઇ બારડ,મંજુલાબેન ધીરુભાઈ બારડ મહાસુખભાઈ રાઠોડ,પુષ્‍પાબેન મહાસુખભાઈ રાઠોડ,હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા,ખુશી હરેશભાઈ વાઘેલા, અસ્‍મિતાબેન હરેશભાઈ વાઘેલા, યતિષભાઈ સુધીરભાઈ પરમાર,સ્‍મિત યતિષભાઈ પરમાર, કાજલબેન યતિષભાઈ પરમાર, મંજુબેન હરજીભાઈ નાથાણી સાર્થક મનોજભાઈ નાથાણી, હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી, હર્ષદભાઈ ભગવાનભાઈ નાથાણી, ચંદુભાઈ જેરામભાઈ બારડ ચંદુભાઈ તલસીભાઈ બારડ અને ગીતાબેન ચંદુભાઈ બારડનો સમાવેશ થાય છે. આ તમામ લોકો વાળંદ સમાજના છે.(૨૩.૭)

(10:55 AM IST)