News of Wednesday, 23rd April 2025
પહેલગામ આતંકી હુમલા બાદ સર્ચ ઓપરેશન ચાલુ : ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : જુઓ વિડિયો
આતંકવાદીઓને પકડવા સેના અને પોલીસની ટીમો સતત કાર્યરત : કેન્દ્રીય ગૃહમંત્રીએ ઘાયલોની મુલાકાત લીધી અને પહેલગામની પણ મુલાકાત લેશે : મૃતદેહોને લઈ જવા માટે 4 વિશેષ વિમાનની વ્યવસ્થા

#WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/HSj2va7LsN
— ANI (@ANI) April 23, 2025
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ હુમલામાં લગભગ 28 લોકોના મોતની આશંકા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં ભાગ લીધો ન હતો અને તેમનો સાઉદી પ્રવાસ અધૂરો છોડીને તેઓ નવી દિલ્હી પરત ફર્યા છે. આજે વડાપ્રધાન મોદી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત પણ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ગયા છે, જ્યાં તેમણે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓ હોસ્પિટલમાં દાખલ ઘાયલોની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ પહેલગામની પણ મુલાકાત લેશે. તેમના દિલ્હી પરત ફર્યા બાદ CCS ની બેઠક યોજાશે. અધિકારીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પાર્થિવ દેહોને તેમના વતન લઈ જવા માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ એરલાઇન કંપનીઓને શ્રીનગરથી આવતા-જતા મુસાફરો માટે યોગ્ય ભાડું રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એરલાઇન્સ કંપનીઓને નિયમિત ભાડું રાખવા જણાવ્યું છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પહેલગામના પીડિતો માટે ચાર વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી છે. બે ફ્લાઇટ કાશ્મીરથી દિલ્હી માટે, જ્યારે બે ફ્લાઇટ કાશ્મીરથી મુંબઈ માટે સંચાલિત કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
