<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અમિત શાહે પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી : ન્યાય અપાવવાનું વચન આપ્યું : જુઓ વિડિયો

ગૃહમંત્રીએ પીડિત પરિવારોને સાંત્વના પાઠવી : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સેના પ્રમુખો દ્વારા કાશ્મીર ખીણની સુરક્ષા સ્થિતિની માહિતી અપાઈ : NIA દ્વારા હુમલાની તપાસ શરૂ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારોના દુઃખમાં સહભાગી થવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તેમની મુલાકાત લીધી હતી. તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી અને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. હુમલાથી પીડિત લોકો ગૃહમંત્રી સમક્ષ રડી રડીને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌકાદળ પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી સહિત સેના પ્રમુખો દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ખીણમાં વર્તમાન સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી રહી છે. ટોચના અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક ટુકડીઓને એલર્ટ રહેવા અને આતંકવાદ વિરોધી અભિયાનોને વધુ તીવ્ર બનાવવા માટે કહેવામાં આવ્યું છે. શોધ અને વિનાશ અભિયાન ચલાવવા માટે હુમલાવાળી જગ્યાની આસપાસના વિસ્તારોમાં વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમ કરશે. NIA ની ટીમ બુધવારે સવારે ફોરેન્સિક ટીમ સાથે શ્રીનગર પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NIA ની ટીમ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે થોડી જ વારમાં રવાના થશે. આ હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકારે NIA ને તપાસ સોંપવાનો નિર્ણય લીધો છે જેથી આ કાયરતાપૂર્ણ કૃત્ય પાછળના ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે અને દોષિતોને કડક સજા મળી શકે.

 

(11:53 AM IST)