<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ગોળીબાર થયો ત્યાંથી માત્ર 20 ફુટ જ દૂર હતા.અમે ત્યાંથી ભાગ્યા અને પાછા વળીને જોયું નથી: એક પરિવારે આપવીતી સંભળાવી

અમે લાંબો સમય સુધી ગોળીઓના અવાજ સાંભળતા રહ્યા. દરેક લોકો ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. મંગળવારે બપોરે થયેલા આતંકી હુમલામાં બચી ગયેલા મહારાષ્ટ્રના એક પરિવારે તેમની કહાણી સંભળાવી હતી. તેમણે કહ્યું કે અમે જ્યાં ગોળીબાર થયો ત્યાંથી માત્ર 20 ફુટ દૂર હતા. દરેક લોકો ત્યાંથી ભાગી રહ્યા હતા.

નાગપુરથી આવેલા એક પરિવારે એએનઆઈને જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે અમે કેટલીક મિનિટો પહેલા જ ત્યાંથી નીકળ્યા હતા. અમે લાંબો સમય સુધી ગોળીઓના અવાજ સાંભળતા રહ્યા. દરેક લોકો ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. અમે જ્યાં ગોળીબાર થયો ત્યાંથી માત્ર 20 ફુટ જ દૂર હતા. પરંતુ અમે ફટાફટ ત્યાંથી ભાગ્યા અને પાછા વળીને જોયું નથી.

 

પત્ની અને દીકરા સાથે ભાગી રહેલા પતિએ કહ્યું કે મને મારી પત્ની અને સંતાનની ચિંતા હતી. એક્ઝિટ ગેટ ખૂબ નાનો હતો માત્ર 4 ફુટ અને દરેક લોકો ત્યાંથી નીકળવા માંગતા હતા એટલે ભીડ થઈ ગઈ હતી. મારી પત્નીને પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયું.

 

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ જણાવ્યું કે લોકો બૂમો પાડી રહ્યા હતા કે ફાયરિંગ થઈ છે અને ભાગી રહ્યા હતા. લોકો પાછળથી આવી રહ્યા હતા અને ધક્કા વાગી રહ્યા હતા. દરેક લોકોને ડર હતો અને ત્યાંથી વહેલી તકે નીકળવા માંગતા હતા. અમે પણ ભાગતા રહ્યા, પાછા વળીને જોયું નથી. માંડ માંડ અમે બહાર નીકળ્યા.

(1:18 PM IST)