<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પૂ. ધીરજમુનિની હાકલથી કરોડો રૂપિયા એકત્ર થયા

અસંખ્‍ય સત્‍કાર્યો થયા છે, થાય છે, થશે

સમાજમાં આજે અનેક સારા કાર્યો લોકો માટે થઇ રહ્યા છે. લેબોરેટરી, પૌષધશાળા, અભ્‍યાસ અર્થે સ્‍કૂલ, જૈન ર્બોડિંગ જેવા અનેક પ્રકલ્‍પો પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબના શુભ આશય અને માત્ર એક હાકલથી પરીપૂર્ણ થયા છે અને થઇ રહ્યા છે.

તેઓ કહે છે જો દાતા હોય, દાન પણ હોય ત્‍યારે આપણે સારો સંકલ્‍પ રાખ્‍યો હોય અને સારું કરવું છે તો સંકલ્‍પ કરવો પડે. ઘણા એવા દાતાઓ છે જે વિદેશમાં વસે છે પણ અહિં તેમના બાપુજી ભણતા કે આ તેઓનું વતન છે ત્‍યારે સમાજ માટે જે કોઇ કાર્ય થઇ રહ્યું હોય તેમાં કરોડો રુપિયાનું દાન આપે છે. પૂ. ધીરજમુનિ મ.સા એ સમાજ માટે એટલા બધા કાર્યો કર્યા છે કે માત્ર તેમનું નામ આવે એટલે લોકો દાન આપવા સમયે વિચારતા નથી. શિશુ મંદિર બનાવવા, લેબોરેટરી ને અત્‍યાધુનિક નિદાન કેન્‍દ્ર, સત્‍સંગ હોલ વગેરે અનેક સમાજ ઉપયોગી કાર્યો માટેનું પૂ. ધીરજમુનિ ની પ્રેરણાથીજ મળ્‍યા છે.

તો વળી વિદ્યાર્થીઓ માટે હોસ્‍ટેલ, સાયન્‍સ રૂમ, ઓડિટોરીયમ, ભોજનશાળા, કોમ્‍યુટર રૂમ વગેરે પણ તેઓની હાકલથી સમાજ માટે બનેલા છે. તેઓ કહે છે, એવા કેટલાય દાતા હોય છે જેમણે પહેલી વખત દાન આપ્‍યું હોય જે હવે દર વર્ષે દાન કરે છે. આપણા નીમિતથી જે શુભ કાર્ય થયું એજ આપણી મૂડી.

ગોંડલ સંપ્રદાયના પૂજ્‍ય ધીરજ મુનિ મહારાજ સાહેબના અસીમ અનુગ્રહથી ૨૮ જાન્‍યુઆરી ૧૯૯૬ના રોજ વર્ધમાન વૈયાવચ્‍ચ કેન્‍દ્રની સ્‍થાપના થઈ હતી. ત્‍યારબાદ આ સંસ્‍થા દ્વારા સમગ્ર ભારતમાં ૧૨૫થી વધુ જૈન ઉપાશ્રય, સેવા સંકુલ, મેડિકલ સેન્‍ટર, ગર્લ્‍સ હોસ્‍ટેલ, જૈન ર્બોડિંગ, બહેરા મૂંગા શાળા, ગૌશાળા, શાળા, પાંજરાપોળ, સંકુલો, વિહારધામ, વૈયાવચ્‍ચ કેન્‍દ્ર, ભોજનાલય, વગેરેનું નિર્માણ થયું છે. આજ સુધી રાજકોટ, ધોરાજી, જસાપર (ઉપલેટા), જેતપુર, સુરત, ત્રંબા, જામકંડોરણા, ભરૂચ, મુંબઈ, જલગાંવ, કોલકતા, જોરાવરનગર, બકવાડી (મધ્‍ય પ્રદેશ), કલ્‍યાણ, ઘાટકોપર, કાંદિવલી, વિરાર, પુના, ચેન્નઈ સહિતના શહેરોમાં તેમના અનુગ્રહ અને પ્રેરણાથી ભવનો તૈયાર થયા છે.

દુનિયામાં દાતાઓ છે તો ટ્રસ્‍ટીઓની કિંમત છે. માટે નાનામાં નાના દાતાને અન્‍યાય ન થઇ જાય તેવી વફાદારી રાખીને કાર્ય કરશો. કહેવાતા સમાજના ઠેકેદારો અને ટ્રસ્‍ટીઓ જ મનમાની કરવા લાગશે તો સમાજ વ્‍યવસ્‍થા ખોખલી થઇ જશે કોઇના દાન અને નામ ઉપર પોતાના નામો ચડાવનાર કે લખનાર દાનવીર બની શકે નહિ ! સમાજ સત્તા લીઝ પર આપે છે. ઓનરશીપથી નહિ ! તે કદી ભુલવું નહિ.

દાતાઓ જે ધનરાશિ અર્પણ કરે છે તે અનુમોદનીય જ નહિ અનુકરણીય બની રહે તેવી ભાવના રહેલી છે. સમાજ સેવાના કાર્યો કરતા ગુરૂદેવની દીર્ઘદ્રષ્ટિને આજે પણ લોકો બિરદાવે છે.(૯.૧૬)

(2:09 PM IST)