News of Wednesday, 23rd April 2025
ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન સુપ્રીમ કોર્ટનું અપમાન છેઃ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો ઠરાવ
સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પરના આક્ષેપને ‘અસ્વીકાર્ય' ગણાવી કડક કાર્યવાહીની માગ

નવી દિલ્હી, તા.૨૩: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ)એ ભાજપના સાંસદ નિશિકાંત દુબેના નિવેદનની તીવ્ર નિંદા કરતો ઠરાવ પસાર કર્યો છે. દુબેએ સુપ્રીમ કોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે દેશમાં ગળહયુદ્ધ માટે સુપ્રીમ કોર્ટને જવાબદાર ગણાવી હતી. એસસીબીએએ આ નિવેદનને અપમાનજનક અને કોર્ટની અવમાનના ગણાવી, કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.
એસસીબીએના ઠરાવમાં જણાવાયું છે કે, આ નિવેદન માત્ર અપમાનજનક નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની અવમાનનાનું પણ કારણ બને છે. સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પરનું આ હુમલો અસ્વીકાર્ય છે અને તેની સામે કાયદા અનુસાર કડક પગલાં લેવા જોઈએ.
એસસીબીએએ એટર્ની જનરલને વિનંતી કરી છે કે તેઓ દુબે વિરુદ્ધ ગુનાહિત અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપે.
દુબેનું નિવેદન વક્ફ (સંશોધન) અધિનિયમ, ૨૦૨૫ની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્ણયોની ટીકા કરતાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે જ કાયદા બનાવવાના હોય તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. આ ટિપ્પણીએ રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે વિવાદ જન્માવ્યો છે.
વિપક્ષી નેતાઓએ દુબેના નિવેદનને અસંવૈધાનિક ગણાવી, તેમની સામે અવમાનનાની કાર્યવાહીની માગ કરી છે. કોંગ્રેસના નેતા મનીકમ ટાગોરે કહ્યું, આ નિવેદન સુપ્રીમ કોર્ટનું અપમાન છે અને તેનો સ્વીકાર કરી શકાય તેમ નથી. ભાજપે પણ દુબેના નિવેદનથી અંતર રાખ્યું છે અને જણાવ્યું છે કે આ તેમના વ્યક્તિગત વિચારો છે. (રર.૭)
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
