News of Wednesday, 23rd April 2025
કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ મુઠભેડ : વિસ્તારને ઘેરાબંધી
પહેલગામ હુમલાના એક દિવસ બાદ દક્ષિણ કાશ્મીરના તંગમર્ગ વિસ્તારમાં અથડામણ : સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ અને નાકાબંધી

જમ્મુ: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના તંગમર્ગ વિસ્તારમાં આજે બુધવારે સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ મુઠભેડ શરૂ થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની શંકાસ્પદ પ્રવૃત્તિની ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા બળોએ વિસ્તારમાં કડક ઘેરાબંદી કરી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, તંગમર્ગ વિસ્તારમાં તપાસ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા બળો પર અચાનક ભારે ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં સુરક્ષા બળોએ પણ જડબેસલાક પ્રતિકાર કર્યો. આના પગલે બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબારની આપ-લે ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સામેલ છે. સુરક્ષા બળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે કડક નાકાબંદી કરી છે. ઓપરેશનને મજબૂત કરવા માટે વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
આ મુઠભેડની ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ અગાઉ, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના ગુજરાત સહિતના રાજ્યોના પ્રવાસીઓ હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાઓને લઈને ચિંતા વધારી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં મુઠભેડ સ્થળે તપાસ અને ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓની સંખ્યા અને તેમની ઓળખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને વિસ્તારમાં ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને સુરક્ષા બળોને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, અને ઓપરેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. (સુરેશ દુગ્ગર, જમ્મુ દ્વારા અહેવાલ)
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
