<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

કેન્દ્રીય કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક દિલ્હીમાં શરૂ : પહેલગામ હુમલા બાદ ભારતની મોટી જાહેરાતની તૈયારી

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી સાથે તાત્કાલિક બેઠક યોજી : પાકિસ્તાન સામે રાજદ્વારી અને આર્થિક પગલાંની શક્યતા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકી હુમલામાં ૨૮ લોકોના મોત અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની પેટા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે, જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સમર્થનથી સંચાલિત હોવાનું ભારતનું માનવું છે.
આજે સાંજે દિલ્હીમાં કેબિનેટ સુરક્ષા સમિતિ (સીસીએસ)ની ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે, જે પૂર્ણ થયા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે કોઈ મોટી જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે મૂકીને તાત્કાલિક દિલ્હી પરત ફર્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ તેમજ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે તાત્કાલિક બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાકિસ્તાન સામે રાજદ્વારી અને આર્થિક પગલાંથી પોતાની પ્રતિક્રિયાની શરૂઆત કરી શકે છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.

 

(6:48 PM IST)