News of Wednesday, 23rd April 2025
જાણો સિંધુ જળ સંધિ શું છે ? ભારત સરકારે રદ કરી નાખતા પાકિસ્તાનીઓ પાણીના એક-એક ટીપા માટે વલખાં મારશે
ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દીધી :આ પગલાને કારણે પાકિસ્તાનને પાણી, કૃષિ અને વીજળી સંકટ જેવા ગંભીર પડકારોનો સામનો કરવો પડી શકે

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે. આમાંનો એક મહત્વપૂર્ણ નિર્ણય સિંધુ જળ સંધિ રદ કરવાનો છે. સરકારના આ નિર્ણયની પાકિસ્તાન પર મોટી અસર થવાની શક્યતા છે.
સિંધુ જળ સંધિ પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, ભારતને ત્રણ પૂર્વીય નદીઓ - બિયાસ, રાવી અને સતલજનું પાણી મળે છે જ્યારે ત્રણ પશ્ચિમ નદીઓ - સિંધુ, ચિનાબ અને ઝેલમનું મોટાભાગનું પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે. આ કરાર મુજબ, ભારત સિંધુ નદી પ્રણાલી (સિંધુ, ચિનાબ અને ઝેલમ)ના માત્ર 20% પાણીનો ઉપયોગ કરી શકતું હતું.
ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે. પાકિસ્તાનની લગભગ 80% ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. જો આ નદીઓનું પાણી બંધ કરવામાં આવે તો તેની ખેતી પર વિપરીત અસર પડશે, પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે, જળવિદ્યુત પ્રોજેક્ટ બંધ કરવા પડી શકે છે, જેના કારણે ફરી વીજળીનું સંકટ જોવા મળી શકે છે.
સરકારના આ પગલાથી પાકિસ્તાનની 21 કરોડથી વધુ વસ્તી માટે પાણીની કટોકટી સર્જાઈ શકે છે. પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટ અને ભૂખમરાથી પીડાઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ભારતનો આ નિર્ણય તેને વધુ ભૂખમરા તરફ દોરી શકે છે. જોકે, આ પહેલી વાર છે જ્યારે ભારતે આ જળ સંધિ રદ કરી છે. આ પગલું પાકિસ્તાન પર રાજદ્વારી અને આર્થિક રીતે ભારે દબાણ લાવી શકે છે.
સિંધુ નદી માનસરોવર નજીકથી ઉદ્ભવે છે અને તિબેટ થઈને જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થાય છે. આ પછી નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. સિંધુ નદીનો ખૂબ જ નાનો ભાગ ભારતમાં આવેલો છે, જ્યારે તેનો મોટાભાગનો પ્રવાહ પાકિસ્તાનમાં આવેલો છે. પાકિસ્તાનમાં, સિંધુ નદીના પાણીનો ઉપયોગ પીવા, સિંચાઈ અને વીજળી ઉત્પાદન જેવા ઘણા મહત્વપૂર્ણ હેતુઓ માટે થાય છે. પાકિસ્તાનના ઘણા મોટા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ આ નદી પર આધારિત છે. આ નદીને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદીનો દરજ્જો પણ છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે, જેના પાકિસ્તાન માટે ગંભીર અને વ્યાપક પરિણામો આવશે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
