તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 24th April 2025
મોદી સરકારે એક જ ઝાટકે પાકિસ્તાનની કમર તોડી નાખીઃ ૩૦૦૦ કરોડનો વેપાર જે રસ્તે થતો હતો તે બોર્ડર બંધ કરી
ભારતમાં આ રસ્તે સોયાબીન, મગફળીના દાણા, શાકભાજી, લાલ મરચું, પ્લાસ્ટિક દાણા અને પ્લાસ્ટિક યાર્ન નિર્યાત કરવામાં આવે છે

નવી દિલ્હી,તા.૨૪: ભારત અને પાકિસ્તાનની વચ્ચે અટારી-વાઘા બોર્ડર દ્વારા થતો વેપાર ફરી એક વાર ઠપ થઈ ગયો છે. ૨૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર કડક વલણ અપનાવતા અટારી-વાઘા બોર્ડરને તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દીધી છે. તેની સાથે જ ભારતે સિંધુ જળ સંધિને પણ રદ કરી દીધી છે અને તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા પણ રદ કરી દીધા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ પગલાનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરુદ્ધ કડક મેસેજ આપવાનો છે.
ભારતે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પર અટારીમાં પોતાનું પહેલું લેન્ડ પોર્ટ વિકસિત કર્યું છે. જે અમળતસર શહેરથી લગભગ ૨૮ કિમી દૂર આવેલું છે. આ અટારી-વાઘા રોડ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારનો એકમાત્ર લેન્ડ રૂટ છે. જેનાથી આ ચેક પોઈન્ટ ખૂબ જ મહત્વનો બની જાય છે. અટારી લેન્ડ પોર્ટ ભારતમાં અફઘાનિસ્તાનથી માલ આયાત કરવા માટે પણ એક મહત્વના પોર્ટ તરીકે કામ કરે છે. ૧૨૦ એકરમાં ફેલાયેલા આ લેન્ડ પોર્ટ સીધું નેશનલ હાઈવે ૧થી જોડાયેલું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા બોર્ડર દ્વારા થતાં વેપારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય ઉતાર-ચઢાવ આવ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં જ્યાં વેપાર લગભગ ૪૧૦૦-૪૩૦૦ કરોડ રૂપિયાની વચ્ચે થયો હતો. ત્યાર બાદના વર્ષોમાં વેપારમાં ઘટાડો આવ્યો. ૨૦૧૯-૨૦માં તે ઘટીને ૨૭૭૨ કરોડ અને ૨૦૨૦-૨૧માં ૨૬૩૯ કરોડનો વેપાર થયો. ૨૦૨૨-૨૩માં વેપાર વધારે નીચે આવ્યો અને ૨૨૫૭.૫૫ કરોડ રૂપિયા રહી ગયો. પણ ૨૦૨૩-૨૪માં તેમાં ઉછાળો આવ્યો અને તે વધીને ૩૮૮૬ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.
માલની અવરજવરની વાત કરીએ તો, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં ૪૮-૪૯ હજાર ટ્રક બોર્ડર પાર કરતા હતા. પણ ૨૦૧૯-૨૦માં તેમાં ઝડપથી ઘટાડો આવ્યો અને આ આંકડો ૨૦૨૦-૨૧માં ફક્ત ૫૨૫૦ થઈ ગયો. ત્યાર બાદ મામૂલી સુધારો થયો અને ૨૦૨૩-૨૪માં ૬૮૭૧ ટ્રકની અવરજવર નોંધાઈ, જે ૨૦૨૨-૨૩માં ૩૮૨૭ ટ્રકથી લગભગ ૮૦ ટકા વધારે છે.
૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ સુધી યાત્રી સંખ્યા લગભગ ૭૮,૦૦૦થી ૮૦,૦૦૦ની વચ્ચે હતું. પણ કોવિડ-૧૯ અને રાજકીય સંબંધો ઠંડા પડવાના કારણે આ આંકડો ૨૦૨૦-૨૧માં ફક્ત ૬૧૭૭ સુધી સમેટાઈ ગયો, ત્યાર બાદ થોડો સુધારો થયો અને ૨૦૨૩-૨૪માં યાત્રી સંખ્યા ફરીથી ૭૧૫૬૩ સુધી પહોંચી ગઈ.
ભારતમાં આ રસ્તે સોયાબીન, મગફળીના દાણા, શાકભાજી, લાલ મરચું, પ્લાસ્ટિક દાણા અને પ્લાસ્ટિક યાર્ન નિર્યાત કરવામાં આવે છે. તો વળી ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાય ડેટ્સ, જિપ્સમ, સિમેન્ટ, ગ્લાસ, રોક સોલ્ટ અને હર્બ્સ ત્યાંથી આયાત થાય છે.(૪૦.૪)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
