<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

જીએસટી અપીલમાં રદ થયેલા નંબરની સુનાવણી ઝડપથી કરવા માટે અલ્‍ટિમેટમ

સુનાવણી કરવામાં ઠાગાહૈયાની ફરિયાદ કરવામાં આવી હતી

મુંબઈ,તા.૨૪: જીએસટીમાં રદ થયેલા નંબર ચાલુ કરવા માટે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી અપીલમાં સુનાવણી ઝડપથી ચાલતી નહીં હોવાની ફરિયાદ રાજ્‍યના ઉચ્‍ચ અધિકારીઓને કરવામાં આવ્‍યા બાદ એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રદ કરવામાં આવેલા જીએસટી નંબરની સુનાવણી ઝડપથી કરવા માટે આદેશ કરવામાં આવ્‍યા હોવાની વિગતો જાણવા મળી છે.

જીએસટી રિટર્ન સમયસર ફાઇલ કર્યું નહીં હોય અથવા તો રિટર્ન ભરવાનું વેપારી ભૂલી ગયા હોય તેવા કિસ્‍સામાં જીએસટી વિભાગ દ્વારા જીએસટી નંબર રદ કરી દેવામાં આવે છે. જેથી વેપારી દ્વારા આવા રદ થયેલા નંબર કાર્યરત કરવા માટે અપીલ કરવામાં આવતી હોય છે, પરંતુ અપીલના કેસની સુનાવણી ગોકળગાયની ગતિએ કરવામાં આવતી હોવાના લીધે કેટલાક વેપારીઓના નંબર છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી કાર્યરત થઈ શકયા નથી. આવા વેપારીઓ વેપાર કરી શકતા નથી. સાથે સાથે દર મહિને દંડ અને વ્‍યાજનું વધારાનું ભારણ આવતું હોય છે. તેમાં પણ વેપારી બાકી રહેલો ટેક્‍સ ભરવા માટે તૈયાર હોવા છતાં જીએસટી નંબર ચાલુ કરવામાં કેટલાક અધિકારીઓ આડોડાઈ કરતા હોવાની ફરિયાદ પણ વેપારીઓ દ્વારા ઉચ્‍ચ સ્‍તરે કરવામાં આવી હતી. આવી અનેક ફરિયાદના આધારે જીએસટીમાં રદ થયેલા નંબરની સુનાવણી ઝડપથી કરીને તાકીદે નંબર ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવે તે માટે આદેશ આપવામાં આવ્‍યો હોવાની વિગતો જાણવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ-વે બિલ અને જીએસટી નંબર રદ થયા હોય તેવા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવે તો સરકારને તેના થકી આવક પણ વધુ થતી હોય છે. તે માટેનું કારણ એવું છે કે વેપાર કરવા માટે જીએસટી નંબર જરૂરી છે. જો વેપારી પાસે જીએસટી નંબર જ નહીં હોય તો વેપાર થઈ શકે નહીં. તેના થતી સરકારને જે આવક થવાની હતી તે પણ થતી નથી. આ માટે જે પણ વેપારીનો નંબર રદ થયો હોય તે નિયમ -માણે ટેક્‍સ, વ્‍યાજ અને દંડ ભરપાઈ કરી દેવામાં આવ્‍યા બાદ પણ જીએસટી અપીલમાં આ કેસની સુનાવણી જ કરવામાં આવતી નહીં હોવાની વ્‍યાપક ફરિયાદ ઉઠયા બાદ કેસનો ઝડપથી નિકાલ કરવા માટેનું અલ્‍ટિમેટમ આપવામાં આવ્‍યું છે.(૪૦.૩)

(9:57 AM IST)