<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

હનીમૂન પર ગયેલા નેવી અધિકારીનું પહેલગામ આતંકી હુમલામાં મોત : પત્ની પર ભડકાઉ ટિપ્પણીથી હોબાળો : જબલપુરમાં આરોપીની ધરપકડ

છ દિવસ પહેલાં લગ્ન કરનાર લેફ્ટનન્ટ વિનય નરવાલ પત્ની હિમાંશી સાથે પહેલગામમાં હનીમૂન મનાવી રહ્યા હતા ત્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા

જબલપુર: કાશ્મીરની રમણીય ખીણોમાં ફરવા ગયેલા એક નવવિવાહિત યુગલનું સપનું ક્ષણભરમાં લોહીમાં રંગાઈ ગયું. છ દિવસ પહેલાં લગ્નના બંધનમાં બંધાયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી સાથે હનીમૂન માટે કાશ્મીરના પહેલગામ પહોંચ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે સુંદર નજારાઓ વચ્ચે જિંદગીની સૌથી ભયાનક વાસ્તવિકતા તેમની રાહ જોઈ રહી છે.

મંગળવાર બપોરના સમયે બંને બૈસરન ઘાટીમાં ભેળપૂરી ખાઈ રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ આવ્યો અને વિનય તરફ ઈશારો કરીને બોલ્યો, 'આ મુસ્લિમ નથી' અને જોતજોતામાં ગોળીઓનો વરસાદ વરસાવી દીધો. આ હુમલામાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં નેવી અધિકારી વિનય નરવાલ પણ સામેલ હતા. આ હુમલાથી દેશ સ્તબ્ધ થઈ ગયો છે, પરંતુ તેનાથી પણ વધુ દુઃખદ બાબત એ છે કે વિનયના મૃત્યુ પછી જે વાતો કહેવામાં આવી રહી છે.

જબલપુરના ઓસાફ ખાન નામના એક યુવકે ફેસબુક પર હિમાંશી વિશે એવી વાંધાજનક ટિપ્પણી કરી છે, જેનાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. તેણે લખ્યું હતું કે 'આ સ્ત્રીની તપાસ થવી જોઈએ, કદાચ તેણે શૂટરને હાયર કર્યો હોય અને મોકો મળતાં જ તેના પતિને ખતમ કરી દીધો હોય'. આ શરમજનક ટિપ્પણી બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર યુવક વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિક સ્તરે પણ મામલો ગરમાયો હતો.

આ વાંધાજનક પોસ્ટને લઈને સિંધિ કેમ્પના રહેવાસી અભય શ્રીવાસ્તવે હનુમાનતાલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી ધીરજ રાજે જણાવ્યું હતું કે આરોપી પંપ હાઉસ વિસ્તારનો રહેવાસી છે અને મેડિકલ ક્ષેત્રે કામ કરે છે. આરોપી વિરુદ્ધ BNS ની કલમ 196 હેઠળ કેસ દાખલ કરીને તેને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

 

(4:17 PM IST)