News of Thursday, 24th April 2025
'આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પનાથી પણ મોટી સજા મળશે, તેમની બચેલી જમીનને માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે' - મધુબનીમાં વડાપ્રધાન મોદી
પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ દોહરાવ્યો : શહીદ શુભમ દ્વિવેદીના પરિવારને સાંત્વના આપવા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો

મધુબની: પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીમાં એક જાહેર સભાને સંબોધતા સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદીઓએ નિર્દોષ દેશવાસીઓ પર હુમલો કર્યો છે. આ હુમલો દેશની આત્મા પરનો હુમલો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પનાથી પણ મોટી સજા મળશે. હવે આતંકવાદીઓની બચેલી જમીનને માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબનીના લોહના ઉત્તર પંચાયતમાં એક સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની સભાની શરૂઆતમાં લોકોને પોતાની જગ્યાએ બેસવા જણાવ્યું હતું અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ ₹13,480 કરોડથી વધુની વિકાસ યોજનાઓ દેશને સમર્પિત કરી હતી. વડાપ્રધાને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોના પ્રતિનિધિઓને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર પણ આપ્યા હતા. આતંકી હુમલાના કારણે સભામાં કોઈ પણ પ્રકારનું સંગીત વગાડવામાં આવ્યું ન હતું અને ઢોલનો પણ ઉપયોગ થયો ન હતો. પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આતંકવાદના તાબૂતમાં છેલ્લી ખીલી ઠોકવાનું કામ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાનપુર પહોંચ્યા હતા અને પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. શુભમનો અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવ્યો હતો. પરિવારને મળ્યા બાદ યોગીએ કહ્યું હતું કે, "પહેલગામનો આતંકી હુમલો ક્રૂર, જઘન્ય અને કાયરતાપૂર્ણ કૃત્ય છે, જેને કોઈ પણ સભ્ય સમાજમાં સ્વીકારી શકાય નહીં."
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આતંકવાદના તાબૂતમાં છેલ્લી ખીલી ઠોકવાનું કામ શરૂ થઈ ગયું છે."
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
