News of Thursday, 24th April 2025
પહલગામ અટેકનો બદલો લેવાનો પ્લાન તૈયાર
આતંકવાદીઓ પાકિસ્તાનના ઓપરેટિવના સંપર્કમાં હતા, મુઝફફરાબાદ અને કરાચી સેફ હાઉસ સાથે થતી હતી વાતચીત :હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના મહત્ત્વના પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા, ઘટનાસ્થળેથી મળી આવ્યાં એડવાન્સ્ડ કમ્યુનિકેશન ઉપકરણો

શ્રીનગર, તા.૨૪: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મુદ્દે આર્મી અને સુરક્ષા-એજન્સીઓએ ૧૫૦૦થી વધુ લોકોને અટકાયતમાં લઈને પૂછપરછનો દોર શરૂ કરી દીધો છે ત્યારે બીજી તરફ શ્રીનગરથી સાંજે ૬ વાગ્યે પાછા ફરેલા ગૃહપ્રધાન અમિત શાહ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાન સામે લેવામાં આવનારી ઍકશનનો પ્લાન તૈયાર કરવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઉડાડી દીધા હતા અને તેમની પાસેથી શસ્ત્રો અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
ગઈ કાલે ખીણ પ્રદેશમાંથી જે લોકોને અટકમાં લેવાયા છે તેઓ પાકિસ્તાની આતંકવાદીઓને સ્થાનિક સ્તરે સપોર્ટ કરતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ ઓવર ગ્રાઉન્ડ વર્કર તરીકે ઓળખાય છે.
સુરક્ષા-અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ઉપયોગમાં લેવામાં આવેલાં હથિયારો અને જે ચોકસાઈથી હુમલો થયો એ સૂચવે છે કે આતંકવાદીઓને દૂરથી કોઈ માર્ગદર્શન આપતું હતું અથવા કોઈ સ્લીપર સેલ દ્વારા આ કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ મુઝફ્ફરાબાદ અને કરાચીના સેફ હાઉસ સાથે સંપર્કમાં હતા. આ સંદર્ભમાં સુરક્ષા-એજન્સીઓએ ડિજિટલ પુરાવા એકઠા કરવાનું શરૂ કરી દીધું છે જે દર્શાવે છે કે આ હુમલાનું કનેકશન પાકિસ્તાન સુધી પહોંચે છે.
અમિત શાહે ગઈ કાલે આતંકવાદી અટૅકના સ્થળની મુલાકાત લીધી હાતી અને હૉસ્પિટલમાં જઈને ઘાયલ વ્યકિતઓના ખબરઅંતર પૂછ્યા હતા.
હુમલામાં સામેલ આતંકવાદીઓ પૈકી બેની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે અને સુરક્ષા દળોએ આ આતંકવાદીઓના ફોટોગ્રાફ પણ જાહેર કર્યા છે. આમ આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ દેખાય છે. ખીણ પ્રદેશમાં આવાં તત્ત્વો આતંકવાદને ભડકાવવાનું કામ કરે છે. ફૉરેન્સિક એકસપર્ટ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સિક્યૉરિટી દળો દ્વારા હુમલાના સ્થળે કરવામાં આવેલી જૉઇન્ટ તપાસમાં મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે જે પાકિસ્તાન તરફ આંગળી ચીંધે છે. ફૉરેન્સિક ઍનૅલિસિસ અને જે લોકો બચી ગયા છે તેમણે આપેલી જાણકારી દર્શાવે છે કે આતંકવાદીઓ પાસે મિલિટરી જવાનો પાસે હોય એવાં શસ્ત્રો અને ઍડ્વાન્સ્ડ કમ્યુનિકેશન ઉપકરણો હતાં, જે દર્શાવે છે કે આ હુમલો ઉચ્ચ સ્તરની ટ્રેઇનિંગ અને જબરદસ્ત પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો. (રર.ર)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
