<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

કોઈ ધર્મ વિશે પૂછવા બદલ ક્યાં ફરિયાદ કરી શકાય અને શું સજા મળે? જાણો કાયદાની જોગવાઈઓ

પહેલગામ હુમલાના સંદર્ભમાં ધર્મ પૂછીને હુમલો કરનારાઓ સામે કાર્યવાહીની માંગ : ધર્મ પૂછવાનો હેતુ ખરાબ હોય તો ફરિયાદ થઈ શકે : નફરત ફેલાવવા પર પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ

નવી દિલ્હી: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ એ સવાલ ઉઠી રહ્યો છે કે જો કોઈ વ્યક્તિ તમને તમારો ધર્મ પૂછે તો શું તેની ફરિયાદ કરી શકાય છે? ભારતીય કાયદામાં આ અંગે શું જોગવાઈઓ છે અને આવા કિસ્સામાં શું સજા થઈ શકે છે તે જાણવું અગત્યનું છે.
નોંધનીય છે કે ભારતમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો ધર્મ પૂછવો એ ગુનો નથી. પરંતુ, જો ધર્મ વિશે પૂછવાનો હેતુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, કોઈની સાથે ભેદભાવ કરવાનો અથવા હિંસાને પ્રોત્સાહન આપવાનો હોય તો તે ભારતીય કાયદા હેઠળ ગુનો બની શકે છે.
ફરિયાદ ક્યાં કરવી?
જો કોઈ વ્યક્તિ તમારા ધર્મ વિશે પૂછીને તમારી ધાર્મિક લાગણી દુભાવી રહ્યો હોય અથવા ભેદભાવ કે હિંસા કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો તમે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવી શકો છો. તમારી ફરિયાદમાં ઘટનાની તારીખ, સમય, સ્થળ અને સાક્ષીઓ સહિતની તમામ વિગતો સ્પષ્ટ રીતે જણાવવી જરૂરી છે. જો તમારી પાસે ઘટનાના કોઈ પુરાવા હોય તો તે પણ રજૂ કરી શકાય છે.
જો પોલીસ ફરિયાદ ન સાંભળે તો?
જો પોલીસ સ્ટેશન તમારી ફરિયાદ નોંધવાનો ઇનકાર કરે તો તમે SP અથવા DCP જેવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, ઘણા રાજ્યોમાં ઓનલાઈન FIR નોંધાવવા માટે પોર્ટલ પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં delhipolice.gov.in, ઉત્તર પ્રદેશમાં uppolice.gov.in અને મધ્ય પ્રદેશમાં cmhelpline.mp.gov.in પર ફરિયાદ નોંધાવી શકાય છે.
જો રાજ્યના પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા પછી પણ કોઈ કાર્યવાહી ન થાય તો રાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ (CPGRAMS) પર પણ ફરિયાદ કરી શકાય છે, જેની વેબસાઈટ pgportal.gov.in છે. આ પોર્ટલ પર ફરિયાદ કરવા માટે તમારે પહેલાં નોંધણી કરાવવી પડશે અને ત્યારબાદ ફરિયાદની વિગતો અને પુરાવા અપલોડ કરવાના રહેશે.
પોલીસ સિવાય અન્ય ક્યાં ફરિયાદ કરી શકાય?
જો પોલીસ અને રાજ્ય પોર્ટલ પર ફરિયાદ કર્યા પછી પણ તમારી વાત સાંભળવામાં ન આવે તો તમે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (nhrc.nic.in) અથવા રાજ્ય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે અથવા પોસ્ટ દ્વારા પણ ફરિયાદ મોકલી શકાય છે. જો કોઈ મહિલાને તેના ધર્મ વિશે પૂછીને હેરાન કરવામાં આવે તો તે રાષ્ટ્રીય મહિલા આયોગ (ncw.nic.in) અથવા રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરી શકે છે. જો પીડિત લઘુમતી સમુદાયનો હોય તો તે રાષ્ટ્રીય લઘુમતી આયોગ (ncm.nic.in)માં પણ ફરિયાદ નોંધાવી શકે છે.
આવા કેસોમાં સજાની જોગવાઈઓ:
જો કોઈ વ્યક્તિ ધર્મ કે જાતિ વિશે પૂછીને નફરત ફેલાવવાનો પ્રયાસ કરે તો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૯૬ હેઠળ ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો ધર્મ વિશે પૂછવા પાછળનો હેતુ કોઈનું અપમાન કરવાનો હોય તો BNSની કલમ ૧૯૭ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની જોગવાઈ છે. જો કોઈ તમારા ધર્મ વિશે પૂછીને તમને ધમકી આપે તો CrPCની કલમ ૩૫૧(૨) હેઠળ સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કોઈ મહિલાના ધર્મ વિશે પૂછીને તેના ગૌરવને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે તો આવા કેસોમાં ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આવા કેસ બિનજામીનપાત્ર હોઈ શકે છે, પરંતુ કોર્ટ પોતાના વિવેકબુદ્ધિ અનુસાર જામીન આપી શકે છે.

 

(7:32 PM IST)