<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

માલેગાંવ બ્લાસ્ટ કેસ : NIAએ પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત 7 આરોપીઓ માટે ફાંસીની માંગ કરી

6 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ થયા હતા : 8 મેના રોજ કોર્ટ ચુકાદો સંભળાવશે

મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એક મોટું નિવેદન આપ્યું છે. NIAએ ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે. NIAએ મુંબઈની વિશેષ અદાલતને વિનંતી કરી છે કે માલેગાંવ વિસ્ફોટના તમામ સાત આરોપીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ 16 હેઠળ સજા આપવામાં આવે. આ વિસ્ફોટમાં 6 મુસ્લિમ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
NIAએ પોતાની અંતિમ દલીલો કોર્ટમાં રજૂ કરી છે, જેમાં ગુનાની ગંભીરતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આરોપીઓને તેમના ગુનાના પ્રમાણમાં સજા થવી જોઈએ. આ કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ UAPAની કલમ 16 અને 18 તેમજ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120 B (ગુનાહિત કાવતરું), 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 324 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), 326 (ખતરનાક હથિયારોથી સ્વેચ્છાએ ગંભીર ઇજા પહોંચાડવી) અને 427 (નુકસાન પહોંચાડવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
આ ઘટના 17 વર્ષ પહેલાં બની હતી, જેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 મુસ્લિમ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેસની તમામ દલીલો પૂર્ણ થયા બાદ, NIAએ પોતાની અંતિમ લેખિત દલીલો કોર્ટમાં દાખલ કરી છે. આ દલીલો લગભગ દોઢ હજાર પાનાની છે. હાલમાં વિશેષ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ન્યાયાધીશ એકે લાહોટી આગામી 8મી મેના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ NIAએ પ્રજ્ઞા ઠાકુરને નિર્દોષ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જો કે, હવે NIAએ પોતાનું વલણ બદલ્યું છે અને કોર્ટને કોઈપણ પ્રકારની નરમાઈ ન દાખવવા વિનંતી કરી છે. આ કેસમાં વધુ ચોંકાવનારી વાત એ છે કે કુલ 323 સાક્ષીઓમાંથી 32 સાક્ષીઓએ કથિત રીતે દબાણમાં આવીને પોતાના નિવેદનો બદલી નાખ્યા હતા.
આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, અજય રહીકર, સમીર કુલકર્ણી, સ્વામી દયાનંદ પાંડે અને સુધાકર ચતુર્વેદી પર હિન્દુત્વ વિચારધારા સાથે જોડાયેલા એક મોટા કાવતરાના ભાગ રૂપે વિસ્ફોટનું આયોજન કરવાનો અને તેને અંજામ આપવાનો આરોપ છે.
સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલો વિસ્ફોટ એ દેશની પહેલી એવી આતંકવાદી ઘટનાઓમાંની એક હતી જેમાં કથિત રીતે જમણેરી હિન્દુત્વ જૂથોની સંડોવણી સામે આવી હતી. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની તપાસમાં પ્રજ્ઞા ઠાકુરનું નામ મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યું હતું. જો કે, બાદમાં NIAએ તેમની પૂછપરછમાં અનિચ્છા દર્શાવી હતી, પરંતુ હવે એજન્સીએ સખત સજાની માંગણી કરીને સૌને ચોંકાવી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે 8મી મેના રોજ કોર્ટ શું ચુકાદો આપે છે.

 

(7:52 PM IST)