<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની આગાહી : પૂર્વોત્તર અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના - IMD એલર્ટ

વેસ્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં આગામી 3-4 દિવસ સુધી હીટવેવની ચેતવણી : પૂર્વોત્તર રાજ્યોમાં રવિવાર સુધી ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી છે. IMD અનુસાર, વેસ્ટ મધ્યપ્રદેશ, વેસ્ટ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઇસ્ટ રાજસ્થાનમાં આ મહિનાની 29 તારીખ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. આ ઉપરાંત, છત્તીસગઢ, વેસ્ટ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેલંગાણામાં પણ આવતીકાલ સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ, સબ-હિમાલયન વેસ્ટ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં રવિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. આમ, દેશના એક ભાગમાં ગરમીનું મોજુ જ્યારે બીજા ભાગમાં વરસાદની આગાહીથી મિશ્ર વાતાવરણ જોવા મળશે.

(8:05 AM IST)