<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

"પાકિસ્તાનીઓનો પત્તો લગાવો અને પાછા મોકલો", પહેલગામ હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં : તમામ મુખ્યમંત્રીઓને આદેશ

દેશ છોડવાની સમયમર્યાદા પૂરી થયા બાદ કોઈ પણ પાકિસ્તાની ભારતમાં ન રહે તે સુનિશ્ચિત કરવા તમામ મુખ્યમંત્રીઓને આદેશ

નવી દિલ્હી: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદીએ તાત્કાલિક બેઠક યોજીને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગૃહમંત્રી અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમને આદેશ આપ્યો છે કે, દેશ છોડવાની સમયમર્યાદા પૂરી થયા બાદ કોઈ પણ પાકિસ્તાની ભારતમાં ન રહે તે સુનિશ્ચિત કરે.
અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓને કહ્યું કે તેઓ પોતાના રાજ્યમાં તમામ પાકિસ્તાની નાગરિકોને શોધીને પાકિસ્તાન પરત મોકલવાનું કામ કરે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથે લાંબી બેઠક બાદ આ આદેશ જારી કર્યો છે.
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર સતત એક્શન મોડમાં છે. હુમલા બાદ ભારતે સૌથી પહેલાં કડક પગલું ભરતા સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતે ઔપચારિક પત્ર લખીને પાકિસ્તાનને કરાર રદ કરવાની જાણકારી આપી હતી.
ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કરવી એ એક મોટું પગલું છે. હકીકતમાં, પાકિસ્તાનના 21 કરોડ લોકો આ જ પાણી પર નિર્ભર છે. આ સંધિને તમામ લોકો માટે જીવન રેખા માનવામાં આવે છે.
પાકિસ્તાનના તમામ પ્રકારના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને લોકોને ઝડપથી પાકિસ્તાન પરત મોકલવાની ખાતરી કરવા માટે પગલાં લેવા પણ કહ્યું છે. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી તેમના નિવાસસ્થાને સિંધુ જળ સંધિ અંગે બેઠક પણ કરશે. આ બેઠકમાં ગૃહમંત્રી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપરાંત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અંગે પાકિસ્તાનને ઔપચારિક રીતે લેખિતમાં જાણ કરી દીધી છે. જળ શક્તિ મંત્રાલયના સચિવ દેવશ્રી મુખર્જીએ પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝાને પત્ર દ્વારા ભારત સરકારના આ નિર્ણયની જાણકારી આપી છે.

 

(2:35 PM IST)