News of Friday, 25th April 2025
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નિવેદન : તુલસી ગબાર્ડે કહ્યું- અમેરિકા ઇસ્લામિક આતંકવાદીઓને પકડવામાં ભારતને કરશે મદદ
પહલગામમાં હિન્દુઓને નિશાન બનાવી કરાયેલા આતંકવાદી હુમલાની અમેરિકાએ સખત નિંદા કરી : પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વોશિંગ્ટન: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ ભારતને મોટો ટેકો આપ્યો છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)ના ડિરેક્ટર તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા ઇસ્લામિક આતંકવાદીઓને પકડવામાં ભારતને સંપૂર્ણ મદદ કરશે.
તુલસી ગબાર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પહેલગામમાં 26 નિર્દોષ હિન્દુઓને નિશાન બનાવીને કરવામાં આવેલા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઊભા છીએ. તેમણે હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સમગ્ર ભારતના લોકો સાથે પોતાની પ્રાર્થના અને સમર્થન હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ જઘન્ય હુમલા માટે જવાબદાર ગુનેગારોને ન્યાય અપાવવામાં અમેરિકા ભારતને સંપૂર્ણ સહયોગ આપશે.
આ પહેલાં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામમાં થયેલા આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમેરિકા આ મુશ્કેલ સમયમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપે છે અને આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મક્કમતાથી ઊભું છે. ટ્રમ્પે હુમલામાં માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત પણ કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ લોકોના નામ અને ધર્મ પૂછ્યા બાદ તેમને ગોળી મારી દીધી હતી. આ હૃદયદ્રાવક હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાયેલી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
