News of Saturday, 26th April 2025
ભારત મારું પિયર છે, પાકિસ્તાન મારુ સાસરિયું: કેવી રીતે શકય છે?
૪૮ કલાકમાં દેશ છોડવાનો આદેશ મળતા પાકિસ્તાની વહુએ બોર્ડર પર હોબાળો મચાવ્યો

જોધપુર,તા.૨૬: પહલગામની નજીક બૈસરન ઘાટીમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા ત્યાં આવેલા પર્યટકો પર અંધાધૂંધ ગોળીબારી કરી, જેમાં ૨૬ લોકોની હત્યા કરી નાખી. જે બાદ ભારત સરકારે કાર્યવાહી કરતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી તેમને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકો પાછા જઈ રહ્યા છે. પંજાબના અટારી બોર્ડર પર જોધપુરની અફશીન જહાંગીરે હોબાળો મચાવ્યો હતો. અફશીન પોતાના પતિ અને બાળકો પાસે પરત જવા માગે છે. અફશીને કહ્યું કે, અમને કહેવાયું કે, ૪૮ કલાકમાં અહીંથી નીકળી જાવ, પણ આ કેવી રીતે શકય છે?
જોધપુરથી અટારી બોર્ડરનું અંતર ૯૦૦ કિમી છે. બસો મળતી નથી. મારા પતિને ત્યાં ૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અમારી ટિકિટો ત્યાં છે. આજે કોઈ પણ હાલતમાં અમારે પતિ પાસે પહોંચવાનું છે. હું કંઈ નથી જાણતી. મારો પાસપોર્ટ ઈન્ડિયન છે. હું અડધી પાકિસ્તાની છું. મારી પાસે પુરતા ડોકયુમેન્ટ્સ છે. મેં તમામ પ્રોટોકોલ ફોલો કર્યા છે.
અફશીને કહ્યું કે, પહલગામમાં જે આતંકી હુમલો થયો છે, મેં તેના માટે શરમિંદા છું. દિલથી એક ગિલ્ટ ફીલ છે. પણ એ કહો કે તેમાં સામાન્ય જનતાનો શું વાંક છે. આતંકી મારા કાકા અને ભાઈ નથી થતાં. મારા માટે મારુ ભારત પણ મહત્ત્વનું છે અને પાકિસ્તાન પણ જરૂરી છે.
આ મારુ પિયર છે અને તે મારુ સાસરિયું છે. હું ભલે પાકિસ્તાનની નાગરિક બની જાવ તો પણ ભારતમાં મારુ પિયર છે. અહીંના લોકો ખૂબ જ વિનમ્ર છે. મારા નાના નાના બાળકો ત્યાં ઉભા છે. શું હું મા નથી, મારી શું કોઈ ફીલિંગ નથી. આતંકીઓએ જે કર્યું, તેની સજા ખુદા આપશે, ખુદાના ઘરમાં દેર છે પણ અંધેર નથી.
વિઝા સિસ્ટમ વિશે અફશીને કહ્યું કે, અમારા જેવા લોકો માટે કોઈ રસ્તો ખોલવો જોઈએ. અહીંની કેટલીય છોકરીઓ પાકિસ્તાનમાં પરણી છે અને પાકિસ્તાનની ઘણી છોકરીઓ ભારતમાં આવી છે. ત્યારે આવા સમયે સમસ્યા બંને તરફથી છે. સામાન્ય લોકોને હેરાન ન કરવા જોઈએ. મારી બંને સરકારને વિનંતી છે કે, અમારા જેવા લોકો માટે એક રસ્તો જરૂરથી ખોલવો જોઈએ. પછી ભલે તે કટોકટીની સ્થિતિ હોય.(૪૦.૮)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
