News of Saturday, 26th April 2025
GST ટ્રીબ્યુનલ ઝડપથી શરુ થવા માટેના ઉજળા સંજોગોઃ માર્ગદર્શિકા જારી
ઓગસ્ટમાં GST ટ્રીબ્યુનલ બનાવવા જાહેરનામું બહાર પડયું હતું : અપીલમાં તરફેણમાં ચુકાદો નહીં આવે તો ૧૦ ટકા ભરી ટ્રીબ્યુનલમાં જઇ શકાશે

નવી દિલ્હી,તા.૨૬: જીએસટી ટ્રીબ્યુનલ શરુ કરવાની વાતો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રીબ્યુનલમાં અપીલ કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. તેનુ સત્તાવાર નોટીફીકેશન બહાર પાડી દેવામાં આવતા ઝડપથી ટ્રીબ્યુનલ શરુ થવાનની શકયતાઓ વધી છે. જોકે ઓગસ્ટ ૨૦૨૪માં ટ્રીબ્યુનલ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ કઈ કઈ જગ્યાએ ટ્રીબ્યુનલ બનાવવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જુલાઈ ૨૦૧૭માં જીએસટીનો કાયદો અમલમાં આવ્યા બાદ ટ્રીબ્યુનલ બનાવવા માટેની વખતો વખત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. કારણ કે ટ્રીબ્યુનલના અભાવે વેપારીએ પોતાના કેસનો નિકાલ કરવા માટે અપીલમાં ગયા બાદ ટ્રીબ્યુનલમાં જવાનુ હોય છે. પરંતુ તેની રચના જ કરવામાં આવી નહીં હોવાના લીધે વેપારીએ હાઇકોર્ટમાં જવાની સ્થિતી ઉભી થતી હતી. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૨૪માં કેન્દ્ર સરકારે ટ્રીબ્યુનલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરીને તેનુ નોટીફીકેશન બહાર પાડી દીધું હતુ. તેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે ટ્રીબ્યુનલ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ૨૪ એ-લિ ૨૦૨૪ના રોજ ટ્રીબ્યુનલમાં અપીલ દાખલ કરવા માટેના નિયમો બનાવતી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં વેપારીની વિરુધ્ધમાં અધિકારીએ નિર્ણય કર્યો હોય તો ૧૦ ટકા રકમ ભરીને અપીલમાં જવાનુ હોય છે. અપીલમાં પણ વેપારીની વિરુધ્ધમાં ચુકાદો આવ્યો હોય અને વેપારીને તે ચુકાદાની સામે જીએસટી ટ્રીબ્યુનલમાં જવાનુ હોય છે. તેમાં જવા માટે વેપારીએ વધુ ૧૦ ટકા રકમ ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ સાથે કયા કયા ફોર્મમાં કેટલી વિગતો રજુ કરવાની રહેશે તે પણ બહાર પાડવામાં આવ્યું છે. આ કારણોસર આગામી દિવસોમાં જીએસટી ટ્રીબ્યુનલ કાર્યરત થવાની શકયતાઓ વધી છે.(૪૦.૪)
ટ્રીબ્યુનલના સભ્યની નિમણૂક ઝડપથી થવાની શકયતા
જીએસટી ટ્રીબ્યુનલમાં પ્રિન્સીપલ જજની સાથે સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવશે. આ માટે સુરતમાં નાનપુરા બહુમાળી બિલ્ડીંગની સામેના ભાગે આવેલી સ્ટેટ જીએસટીની ઓફિસમાં ટ્રીબ્યુનલની ઓફિસ શરુ કરવામાં આવી છે. જોકે હજુ સુધી તેમાં અધિકારીની નિમણૂંક કરવામાં આવી નથી. પરંતુ માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવ્યા બાદ આગામી થોડા સમયમાં ટ્રીબ્યુનલમાં અધિકારીઓની નિમણૂંક પણ કરી દેવામાં આવે તેવી શકયતાઓ ઉભી થઇ છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
