News of Saturday, 26th April 2025
૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ૧૮૮ મોટી કંપનીઓ નાદાર થઈ
ટેરિફ વોરના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થવાની છે, મોંઘવારી-મંદીનો ડર ઘેરાયો...

વોશીંગ્ટન,તા.૨૬: અમેરિકામાં નાદારીમાં જતી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ૧૮૮ મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં ૪૯% વધુ છે. ૨૦૧૦ પછી એક જ ત્રિમાસિક ગાળામાં નાદારી પામેલ કંપનીઓની આ સૌથી મોટી સંખ્યા છે.
૨૦૨૦ની કોરોના મહામારી દરમિયાન પણ આ સંખ્યા ૧૫૦ને પાર કરી શકી નથી. આ રીતે મોટી અમેરિકન કંપનીઓના નાદારીનો ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગયા વર્ષે દેશમાં કુલ ૬૯૪ મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ હતી.
૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ઔદ્યોગિક ક્ષેત્રની ૩૨ કંપનીઓ નાદાર થઈ ગઈ. એ જ રીતે કન્ઝયુમર સેક્ટરની ૨૪ કંપનીઓ અને હેલ્થકેર સેક્ટરની ૧૩ કંપનીઓએ પોતાને નાદાર જાહેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે વિદેશી વસ્તુઓ પર ટેરિફ લાદવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે અને દેશ મંદીમાં સપડાઈ શકે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ૨૪૫ ટકા ટેરિફ લાદી છે. આ કારણોસર, ઘણી અમેરિકન કંપનીઓ ચીનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારી કરી રહી છે. જો તેઓ અમેરિકામાં માલનું ઉત્પાદન કરે છે તો તેમના માટે આ બહુ મોંઘો સોદો હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં ઘણી વધુ કંપનીઓ નાદાર થવાની શકયતા છે.
૨૦૧૦ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨૫૪ કંપનીઓ નાદાર થઈ હતી જ્યારે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નાદાર થનારી કંપનીઓની સંખ્યા ૧૩૯ હતી. નિષ્ણાતો કહે છે કે નબળી બેલેન્સશીટ ધરાવતી કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેમનું દેવું પરિપક્વ થઈ રહ્યું છે અને ઊંચા વ્યાજ દરોને કારણે તે તેને પુનઃ ધિરાણ કરવામાં સક્ષમ નથી.
હવે ટેરિફ વોરના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. વધતી જતી મોંઘવારીને કારણે લોકો પૈસા ખર્ચવાનું ટાળશે જેના કારણે માંગમાં ઘટાડો થશે. જેનાથી મંદીને વેગ મળશે.(૪૦.૨૦)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
