<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

GSTAT માટે નવા નિયમો લાગુ : હવે દરેક અપીલ ઓનલાઈન દાખલ થશે

CGST નિયમો, ૨૦૧૭ અનુસાર, વિવાદિત કર, ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) અથવા ૧ લાખ રૂપિયા સુધીના દંડની દરેક રકમ માટે ફાઇલિંગ ફી ૧,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી

નવી દિલ્‍હી, તા.૨૬: નાણા મંત્રાલયે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ એપેલેટ ટ્રિબ્‍યુનલ (પ્રક્રિયાગત) નિયમો, ૨૦૨૫ ને સૂચિત કર્યા છે. આ ૨૪ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવ્‍યા છે. ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ એપેલેટ ટ્રિબ્‍યુનલ (GSTAT)ના અમલીકરણ તરફ આ એક મહત્‍વપૂર્ણ પગલું છે.

આ અંતર્ગત, GSTAT પોર્ટલ પર તમામ અપીલો ઓનલાઈન ફાઇલ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ અપીલ ઓર્ડરની પ્રમાણિત નકલ સાથે કરવામાં આવશે. GSTAT અપીલ ટ્રિબ્‍યુનલની સ્‍થાપના સેન્‍ટ્રલ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ એક્‍ટ, ૨૦૧૭ હેઠળ કરવામાં આવી છે. તે GST કાયદા હેઠળ રાજ્‍ય/કેન્‍દ્રશાસિત પ્રદેશના આદેશો સામે પ્રથમ અપીલ ટ્રિબ્‍યુનલ છે.

નિયમો અનુસાર, સત્તાધિકારીની સુનાવણીનો સમય નક્કી કરવામાં આવ્‍યો છે. સુનાવણીનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ અને બપોરે ૨:૩૦ થી ૪:૩૦ વાગ્‍યા સુધીનો છે. તેનો વહીવટી કાર્યાલયનો સમય અઠવાડિયાના દિવસોમાં સવારે ૯.૩૦ થી સાંજે ૬.૦૦ વાગ્‍યા સુધીનો છે. જાહેર સુનાવણીની યાદીઓ દરરોજ GSTAT પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવશે.

CGST નિયમો, ૨૦૧૭ અનુસાર, વિવાદિત કર, ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) અથવા રૂ. ૧ લાખ સુધીના દંડની દરેક રકમ માટે ફાઇલિંગ ફી રૂ.૧,૦૦૦ નક્કી કરવામાં આવી છે, જે ઓછામાં ઓછા રૂ. ૫,૦૦૦ અને મહત્તમ રૂ.૨૫,૦૦૦ સુધીની હોઈ શકે છે. અન્‍ય ચાર્જમાં વચગાળાની (ઇન્‍ટરલોકયુટરી) અરજી દાખલ કરવા અથવા રેકોર્ડનું નિરીક્ષણ કરવા માટે રૂ. ૫,૦૦૦ અને અંતિમ ઓર્ડરની પ્રમાણિત નકલો માટે પ્રતિ પળષ્ઠ ૫ રૂપિયાનો સમાવેશ થાય છે.(૨૩.૨)

 

(11:28 AM IST)