News of Saturday, 26th April 2025
'મોદીજી કૃપા કરીને મારી મદદ કરો' : અટારી બોર્ડર બંધ થવાથી વાનમાં મુસાફરી કરી રહેલી ઈરાની મહિલા ફસાઈ: પીએમ પાસે મદદની ગુહાર
પહેલગામ હુમલા બાદ ભારત-પાક સરહદ બંધ થતાં ઈરાની મહિલા મુશ્કેલીમાં : વાન દ્વારા ઈરાન જવા માટે પીએમ મોદીને વિનંતી

શ્રીનગર : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સરહદ બંધ થવાના કારણે એક ઈરાની મહિલા અટારી બોર્ડર પર ફસાઈ ગઈ છે. જેના લીધે આ મહિલાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તે વાન દ્વારા પોતાના દેશ ઈરાન પરત ફરી શકે તે માટે તેણે વડાપ્રધાન મોદીને મદદ માટે વિનંતી કરી છે.
ઈરાની મહિલા એલહમે જણાવ્યું કે તે ફેબ્રુઆરી મહિનામાં એક પર્યટક તરીકે પોતાની વાનમાં પાકિસ્તાનના રસ્તે ભારત આવી હતી. હવે તે ઈરાન પાછી જવા માંગે છે, પરંતુ સરહદ બંધ છે અને તેઓ તેને જવા દેતા નથી. જેના કારણે તે પોતાની વાનના ડબ્બામાં સૂઈ રહી છે અને ત્યાં જ ખાઈ પણ રહી છે.
એલહમે કહ્યું કે તે ભારતને પ્રેમ કરે છે. તેણે ભારતમાં રહીને અભ્યાસ કર્યો છે. પહેલગામના આતંકવાદી હુમલાથી તે ખૂબ જ દુઃખી છે. તેનો રોડ વિઝા થોડા દિવસોમાં પૂરો થઈ રહ્યો છે અને તેને ઈરાન પાછા જવું છે. તેણે ભારત સરકારને તેની મદદ કરવા માટે વિનંતી કરી છે.
એલહમ ભારતને પોતાનું બીજું ઘર માને છે:
ઈરાન જવા માટે તેની પાસે કોઈ બીજો વિકલ્પ નથી. જ્યારે તે અટારી બોર્ડર પર ગઈ ત્યારે સરહદ પરના અધિકારીઓ તેને જણાવી રહ્યા છે કે ફક્ત પાકિસ્તાની પાસપોર્ટ ધારકો જ બોર્ડર પાર કરી શકે છે. પરંતુ ઈરાન પહોંચવાનો સડક માર્ગ પાકિસ્તાન થઈને જ જાય છે. જો ભારત સરકાર તરફથી તેને મંજૂરી નહીં મળે તો તે પોતાના ઘરે નહીં પહોંચી શકે.
એલહમે કહ્યું કે તે ભારતના ઘણા શહેરોમાં ગઈ છે. તે ભારતને પોતાનું બીજું ઘર પણ માને છે. તે આ વાન દ્વારા અત્યાર સુધી વિશ્વભરની યાત્રા કરી ચૂકી છે. તેણે ભારત સરકારને વિનંતી કરી છે કે તેની મદદ કરવામાં આવે, જેથી તે પોતાના ઘરે પહોંચી શકે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
