News of Saturday, 26th April 2025
'હિન્દુ-મુસ્લિમ એક ન હોઈ શકે...', ભારતના એક્શનથી ગભરાયેલા પાક આર્મી ચીફે ફરી ઓક્યું ઝેર
પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ફરીથી બે રાષ્ટ્ર સિદ્ધાંતનો કર્યો ઉલ્લેખ : મુસલમાનો અને હિન્દુઓને બે અલગ રાષ્ટ્ર ગણાવ્યા

ઈસ્લામાબાદ: પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના ડરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પોતાની પ્રજાનું ધ્યાન આનાથી ભટકાવવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે શનિવારે ફરી એકવાર ઝેર ઓક્યું છે. મુનીરે બે રાષ્ટ્ર સિદ્ધાંતની હિમાયત કરતા કહ્યું કે હિન્દુ અને મુસલમાન બે અલગ-અલગ રાષ્ટ્ર છે.
શનિવારે મુનીર ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના કાકુલ વિસ્તારમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમી (PMA) માં કેડેટ્સની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત મુનીરે કહ્યું કે તેમના પૂર્વજો માનતા હતા કે હિન્દુ અને મુસલમાન જીવનના દરેક સંભવિત પાસામાં અલગ છે.
ઉલ્લેખનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા પણ એક કાર્યક્રમમાં બોલતા મુનીરે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને પોતાના બાળકોને દેશની વાર્તા સંભળાવવા કહ્યું હતું. મુનીરે કહ્યું કે મુસલમાનો જીવનના તમામ પાસાઓ ધર્મ, રીતિ-રિવાજો, પરંપરા, વિચાર અને આકાંક્ષાઓમાં હિન્દુઓથી અલગ છે.
હકીકતમાં મુનીર પોતાના આકાઓના ઈશારે પાકિસ્તાનની પ્રજામાં પોતાની જ સરકાર વિરુદ્ધ ઉઠી રહેલા બળવાના અવાજને ભટકાવવા માટે આવા બેહુદા નિવેદનો આપતા રહે છે. પહેલગામ હુમલા બાદ ભારત સાથેના તણાવ વચ્ચે તેમના આ નિવેદનને પણ આ જ રીતે જોવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન વિરુદ્ધ ભારતના કડક વલણથી ત્યાંની પ્રજા પણ ભયભીત છે. આનાથી ધ્યાન ભટકાવવા માટે મુનીરે કહ્યું કે અમારા પૂર્વજોએ પાકિસ્તાનના નિર્માણ માટે ઘણા બલિદાન આપ્યા. અમે જાણીએ છીએ કે તેનું રક્ષણ કેવી રીતે કરવું.
જિન્નાહના ટૂ નેશન થિયરીનો ઉલ્લેખ કરતા મુનીરે કહ્યું કે અમારા ધર્મ અલગ છે, અમારા રીતિ-રિવાજો અલગ છે, અમારી પરંપરાઓ અલગ છે, અમારા વિચારો અલગ છે, અમારી મહત્વાકાંક્ષાઓ અલગ છે. અહીં જ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો નાખવામાં આવ્યો હતો. અમે બે રાષ્ટ્ર છીએ, અમે એક રાષ્ટ્ર નથી.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
