<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પાકિસ્તાનમાં જેલમ નદીમાં અણધારી પૂરની સ્થિતિ : ભારતે કોઈ સૂચના વિના વધુ પાણી છોડ્યું હોવાની પાક મીડિયાનો કાગારોળ : પાકિસ્તાની લોકોમાં ગભરાટ :જુઓ વિડીયો

સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાનમાં જળ સંકટની આશંકા : નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને સુરક્ષિત રાખવા કરી રહાય છે પાકિસ્તાની તંત્રની અપીલ

લાહોર/ઈસ્લામાબાદ: પાકિસ્તાની મીડિયા અને વાયરલ થઈ રહેલા પ્રેસ રિલીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના વધુ પાણી છોડતાં જેલમ નદીમાં મધ્યમ કક્ષાનું પૂર આવ્યું છે. આ ઘટનાને પગલે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે અને લોકોને નદી કિનારાથી દૂર રહેવા તેમજ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, જેલમ નદીમાં અણધાર્યું પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેમનો દાવો છે કે ભારતે આ અંગે કોઈ પણ પ્રકારની અગાઉથી ચેતવણી આપી ન હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાન પહેલાથી જ સંભવિત દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું હતું, ત્યારે અચાનક આવેલા પૂરે તેમને ઊંઘતા ઝડપી લીધા છે.

પ્રેસ રિલીઝ અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતી અનુસાર, પાકિસ્તાનને હવે મોટી કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ ઐતિહાસિક સિંધુ જળ સંધિને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાનમાં જળ સંકટની આશંકા વધુ ઘેરી બની છે. આ ઘટનાક્રમને પાકિસ્તાન માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની સત્તાવાળાઓએ લોકોને તાત્કાલિક અસરથી નદી કિનારાના વિસ્તારો ખાલી કરવા અને પોતાના માલસામાન તેમજ પશુધનને સલામત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ જારી કરી છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. જો કે, અચાનક આવેલા આ પૂરે પાકિસ્તાનની તૈયારીઓની પોલ ખોલી નાખી છે અને લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે.

સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવની સ્થિતિ છે.  પાકિસ્તાન તરફથી આ અંગે સત્તાવાર નિવેદન હજી સુધી આવ્યું નથી, પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે અને ત્યાંના લોકોમાં ભયનું વાતાવરણ છે.

 

(7:52 PM IST)