<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

'' શિવસૈનિક મરાઠી અસ્મિતાની રક્ષા કરવા માટે તૈયાર '': ઠાકરે બંધુઓ એક થવાની વાત વચ્ચે ઉદ્ધવ સેનાની પોસ્ટથી તર્કવિતર્ક

શિવસેના યુબીટીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં એક થવાનો સમય આવી ગયો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ એટલે કે, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે ફરી એક થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ગયા અઠવાડિયે રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ સાથે રાજકારણમાં એક થઈ આગળ વધવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મતભેદ સામાન્ય છે અને એક થવું મુશ્કેલ કામ નથી.

હવે મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે બંધુઓ એક થવાની અટકળો વચ્ચે શિવસેના યુબીટી એ રહસ્યમયી પોસ્ટ કરી છે. પાર્ટીએ કહ્યું કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક થવાનો સમય આવી ગયો છે, પાર્ટીના કાર્યક્રતાઓ મરાઠી ગૌરવની રક્ષા કરવા માટે તૈયાર છે. શિવસેના યુબીટીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘મુંબઈ અને મહારાષ્ટ્રના હિતમાં એક થવાનો સમય આવી ગયો છે. શિવસૈનિક મરાઠી અસ્મિતાની રક્ષા કરવા માટે તૈયાર છે.’

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે રાજકારણમાં એક થઈને આગળ વધવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમારા અગાઉના મતભેદ સામાન્ય છે અને મરાઠી માનુષીઓના કલ્યાણ માટે એક થવું મુશ્કેલ કામ નથી.’ જેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ નાના-નાના વિવાદોને ભુલી જવા માટે તૈયાર છે, જોકે મહારાષ્ટ્રના હિતો વિરુદ્ધ કામ કરનારાઓને સહન નહીં કરવામાં આવે.

શિવસેના યુબીટી અને મનસે વચ્ચે ગઠબંધનની સંભાવના અંગે પૂછવામાં આપતા ભાજપે (BJP) પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, ‘સાથે આવવું કે પછી ગઠબંધન બનાવવું, એ તેમનો વિશેષાધિકાર છે. અમને કોઈ વાંધો નથી.

આ પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે પિતરાઈ ભાઈ રાજ ઠાકરે મેળ-મિલાપ કરવા માટે ખૂબ જ સકારાત્મક છે. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘ઠાકરે બંધુઓના એક થવાની અટકળો બાદ આંબેડકર આંદોલન સાથે જોડાયેલા પક્ષો અમારા સંપર્કમાં છે અને રાજકારણમાં નવા ગઠબંધનમાં સામેલ થવાના રસ દાખવ્યો છે.’
 

(8:09 PM IST)