<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગોંડલમાં પાટીદાર નેતાઓની મુલાકાત : ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત : ગોંડલના રસ્તાઓ પર કથીરિયા હાય હાય ના મહિલાઓએ નારા લગાવ્યા : જુઓ વિડીયો

રીબડાથી લઈને ગોંડલ આશાપુરા ચોકડી સુધી 19 PI-PSI અને 1 DySP સહિત કુલ 155 પોલીસકર્મીઓ તૈનાત : યુવા નેતાઓનાં ગોંડલ પ્રવાસથી ભારે અજંપાભરી સ્થિતિ

રાજકોટ, તા. 27 એપ્રિલ 2025: ગોંડલમાં આજે પાટીદાર સમાજના યુવા નેતાઓની મુલાકાતને લઈને ભારે ચહલપહલ જોવા મળી રહી છે. સુલતાનપુરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ આપેલા પડકારને પાટીદાર યુવા નેતાઓએ સ્વીકારી લેતાં આજે ગોંડલમાં તેમની ઉપસ્થિતિને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. રીબડા ગામથી ગોંડલના આશાપુરા ચોકડી સુધી 19 PI-PSI અને 1 DySP સહિત કુલ 155 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઘટનાની શરૂઆત તાજેતરમાં સુરતમાં પટેલ સમાજના યુવા નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજથી થઈ હતી. આના જવાબમાં ગણેશ જાડેજાએ પડકાર ફેંક્યો હતો, જેને પાટીદાર યુવા નેતાઓએ ઝીલી લઈ આજે ગોંડલની મુલાકાતનો કાર્યક્રમ ઘડ્યો છે. યુવા નેતા અલ્પેશ કથીરિયાએ તેમના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરીને ગોંડલમાં સ્વાગતની તૈયારી કરવાની વાત કરી હતી. તેમણે લખ્યું હતું, “ગોંડલ કરો સ્વાગતની તૈયારી, આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.”

આજે સવારે નવ વાગ્યે યુવા નેતાઓ ગોંડલના આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને દર્શન કરશે. ત્યારબાદ તેઓ અક્ષર મંદિર જઈને દર્શન કરશે અને ગોંડલના મુખ્ય રાજમાર્ગો પર ફરશે. આ પછી તેઓ ખોડલધામની મુલાકાતે જશે. આ ઉપરાંત, મોવિયા અને ઘોઘાવદરમાં પણ દર્શન માટે જવાની શક્યતા છે. આ સાથે, પાટીદાર નેતાઓના આગમન પહેલા, ગોંડલમાં રસ્તાઓ પર માહિલાઓના ટોળાએ, કથીરિયા હાય હાય ના નારા લગાવ્યા હતા.

પોલીસ દ્વારા આજે સવારથી જ રીબડા, આશાપુરા ચોકડી અને ગોંડલના મુખ્ય ચોક પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

(9:37 AM IST)