<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

દિલ્હીના રોહિણી સેક્ટર-17ની ઝુપડપટ્ટીમાં ભીષણ આગઃ 150થી વધૂ ઝૂંપડા બળીને ખાખ

ઉપરાંત આઇટીઓ તરફ જતા રસ્‍તા પરના જંગલમાં પણ આગ લાગીઃ બંન્‍ને જગ્‍યાએ આગ ઓલવવા ફાયર ફાઇટરો ઘટના સ્‍થળેઃ કોઇ જાનહાની નથી

નવી દિલ્‍હીઃ દિલ્હીના રોહિણી જિલ્લાના સેક્ટર 17માં શ્રી નિકેતન એપાર્ટમેન્ટ નજીક એક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. દિલ્હી ફાયર સર્વિસના 20 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. રોહિણી સેક્ટર 17ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. 

 દિલ્હીના રોહિણીમાં આગની ઘટના બાદ હવે શકરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ITO તરફ જતા રસ્તા પર આવેલા જંગલમાં આગ લાગી ગઈ છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. 

 ગીતા કોલોની ફાયર સ્ટેશનના સબ ઓફિસર ભીમસેને જણાવ્યું હતું કે, આ આગ "બપોરે 12.07 વાગ્યે, લક્ષ્મી નગરથી ITO તરફ જતા રસ્તા પર ઝાડમાં લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ, ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ITO જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી."

 હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગુસ્સે ભરાયેલા લોકોએ ફાયર એન્જિનના કાચ તોડી નાખ્યા. લોકોનો આરોપ છે કે ફાયર એન્જિન મોડા પહોંચ્યા. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ કેસની તપાસ ચાલી રહી છે.

 અગાઉ, 21 એપ્રિલ, સોમવારના રોજ, લોરેન્સ રોડ પર સ્થિત ચાર માળની જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે નજીકની બે અન્ય ફેક્ટરીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ત્યારે માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી 20 જેટલી ફાયર ફાઇટરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

(3:41 PM IST)