<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પિતાએ ઓનલાઈન જમાઈ શોધ્‍યોઃ ૧૮ લાખનું પેકેજ જોઈ દુલ્‍હન કુદવા લાગી, બાદમાં ૫૦ લાખનો દહેજ આપીને રાતા પાણીએ રડ્‍યા

પ્રોફાઈલમાં છોકરાએ ખુદને જયપુરનો રહેવાસી ગણાવ્‍યો હતો અને તેનું ઘર આગરામાં હતું: આ ઉપરાંત લગ્ન પહેલા તે એક છોકરી સાથે લિવ ઈનમાં પણ રહેતો હતો

જયપુર તા.ર૬: દુનિયાના દરેક પિતા ઈચ્‍છે છે કે તેમની દીકરી ખુશ રહે. જો તે પોતાની ઘર છોડીને જઈ રહી છે, તો એવા શખ્‍સ સાથે જાય, જે તેને જિંદગીભર રાણી બનાવીને રાખે. તેમની દીકરીને કોઈ વાતની કમી ન અનુભવાય. આ જ કારણ છે કે, લગ્ન પહેલા છોકરીના પિતા બેકગ્રાઉન્‍ડ સારી રીતે ચેક કરે છે. પહેલાના સમયમાં લોકો સગા સંબંધીઓ દ્વારા લગ્ન કરાવતા હતા. તેથી છોકરાના અસલી હકીકત સામે આવી જતી હતી. પણ જ્‍યારથી ઓનલાઈન લગ્ન થવા લાગ્‍યા, છેતરપીંડીના કિસ્‍સા પણ વધવા લાગ્‍યા છે.

જયપુરમાં રહેતા એક શખ્‍સે પણ લગ્નના પોર્ટલ પર જોઈને પોતાની દીકરીના લગ્ન નક્કી કર્યા. વરુણ નામના યુવકની પ્રોફાઈલ પિતાને ગમી ગઈ. પોતાની પ્રોફાઈલમાં વરુણે વ્‍યવસાયે ટીચર હોવાનું જણાવ્‍યું અને ૧૮ લાખ રૂપિયા વાર્ષિક પેકેજ હોવાની જાણકારી આપી હતી. ત્‍યાર બાદ છોકરીના પિતાએ વરુણ સાથે કોન્‍ટેક્‍ટ કર્યો. વાતચીત આગળ વધી અને લગ્ન ફિક્‍સ થઈ ગયા. પણ લગ્ન બાદ આ વરરાજાની અસલી હકીકત સામે આવવા લાગી. જેનાથી એક માસૂમ યુવતીની જિંદગી બરબાદ થઈ ગઈ.

જયપુરના રહેવાસી પ્રેમકુમારે પોતાની દીકરીના લગ્ન એક મેરેજ પોર્ટલ પર મળેલા યુવક સાથે કરાવ્‍યા હતા. બંનેના લગ્ન ૩ માર્ચ ૨૦૨૪ના રોજ થયા હતા. થોડા સમય તો બધું ઠીક ચાલ્‍યું, પણ ધીમે ધીમે છોકરાની અસલી હકીકત સામે આવવા લાગી. પોતાની પ્રોફાઈલમાં છોકરાએ ખુદને જયપુરનો રહેવાસી ગણાવ્‍યો હતો અને તેનું ઘર આગરામાં હતું. આ ઉપરાંત લગ્ન પહેલા તે એક છોકરી સાથે લિવ ઈનમાં પણ રહેતો હતો. લગ્નના થોડા સમય બાદ જ્‍યારે યુવતીએ આ અંગે છોકરા સાથે વાત કરી તો છોકરાએ અને તેના પરિવારે યુવતી સાથે મારપીટ શરૂ કરી દીધી.

છોકરીએ મારપીટ બાદ પિયરમાં આવી જવાનું નક્કી કર્યું. ત્‍યાર બાદ વરુણે આગળથી આવું નહીં કરે તેવો વાયદો કર્યો અને છોકરીને પોતાની સાથે લઈ ગયો. થોડા સમય બાદ જોબમાં નુકસાન અને આર્થિક તંગીની વાત કહીને પોતાના સસરામાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધા. ત્‍યાર બાદ સપ્‍ટેમ્‍બરમાં છોકરીને યુપીના કિરાવલીમાં એકલી મૂકી દીધી.

હવે પિતા વરુણ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્‍યો છે. વરુણે કેટલાય લોકોને આવી રીતે છેતર્યા છે. આ ઉપરાંત વરુણની મા, બહેન અને બનેવી સહિત અન્‍ય એક શખ્‍સ પર પણ આરોપ લગાવ્‍યો છે. પોલીસે આ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહીમાં લાગી ગઈ છે. (૩પ.૧૧)

(10:02 AM IST)