<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

'બંદૂકથી આતંકવાદને નિયંત્રિત કરી શકાય છે, ખતમ નહીં...' પહેલગામ હુમલા પર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બોલ્યા ઉમર અબ્દુલ્લા

પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિશેષ સત્ર : હુમલાની સખત નિંદા કરતો ઠરાવ પસાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. સદનમાં બે મિનિટનું મૌન પાળીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ સરકાર તરફથી એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પ્રવાસીઓ પર થયેલા ક્રૂર અને અમાનવીય હુમલા પર ઊંડો આઘાત અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા સદનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં 23 એપ્રિલે 'કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી'ની બેઠક બાદ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનું પણ સમર્થન કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ વિધાનસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે પહેલગામ હુમલો કાશ્મીરીયત, બંધારણ અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને એકતાની ભાવના પર હુમલો છે.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સત્રમાં કહ્યું હતું કે, "આ હુમલો પહેલીવાર નથી, આ પહેલાં પણ અમે ઘણા હુમલા જોયા છે. પહેલગામમાં યાત્રાના કેમ્પ પર હુમલો થતો જોયો છે, અમે ડોડામાં હુમલા થતા જોયા છે, અમે કાશ્મીરી પંડિતોની વસાહતો પર હુમલા થતા જોયા છે, અમે સરદારોની વસાહતો પર હુમલા થતા જોયા છે. પરંતુ હવે 21 વર્ષ બાદ આટલો મોટો હુમલો થયો છે."
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે, "અમે બંદૂક દ્વારા આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, તેને ખતમ નહીં કરી શકીએ."
તેમણે એ પણ કહ્યું હતું કે, "જમ્મુ-કાશ્મીરની સુરક્ષા જમ્મુ-કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી, પરંતુ હું આ તકનો ઉપયોગ રાજ્યના દરજ્જા માટે નહીં કરું. આ તક પર કોઈ રાજનીતિ નહીં, કોઈ નિવેદન નહીં, માત્ર હુમલાની સખત નિંદા થવી જોઈએ."
માર્યા ગયેલા પ્રવાસીઓ માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું
જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ સોમવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું.
જેમ જેમ સદનનું વિશેષ સત્ર શરૂ થયું, અધ્યક્ષ અબ્દુલ રહીમ રાઠેરે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા નિર્દોષ પ્રવાસીઓની હત્યાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "અમે પીડિતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે."
આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા
22 એપ્રિલે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવાતા અનંતનાગ જિલ્લાના પહેલગામના પ્રવાસન સ્થળ બૈસરનમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી.

 

(1:53 PM IST)