<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : વન વિસ્તારોમાં ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ : ૬૦ દિવસમાં ઇલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરાશે

દિલ્હીના વન અને વન્યજીવ વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારનો કડક આદેશ : વન વિભાગના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલવા નિર્દેશ

નવી દિલ્હી: દિલ્હી સરકારે વન અને વન્યજીવ વિસ્તારોમાં ડીઝલ અને અન્ય એન્જિનવાળી ગાડીઓથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. પર્યાવરણ અને વન્ય જીવોના સંરક્ષણ માટે દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ વન વિભાગને આદેશ આપ્યો છે કે જ્યાં શક્ય હોય ત્યાં સુધી તમામ વાહનોને આગામી ૬૦ દિવસની અંદર ઇલેક્ટ્રિક વાહનો (EV)માં બદલવામાં આવે. આ સાથે જ દિલ્હીના જંગલોમાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વન વિભાગને આગામી સાત દિવસમાં તમામ ગાડીઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. તત્કાલિક અસરથી બિનજરૂરી અને નોન-ઇલેક્ટ્રિક સરકારી તેમજ ખાનગી ગાડીઓના જંગલો અને સંરક્ષિત વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર જરૂરી સેવાઓ, ઇમરજન્સી વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોને જ પ્રવેશની મંજૂરી મળશે.
દિલ્હી સરકાર શહેરની હવાને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. સરકાર આગામી સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને દેશનું ઇવી કેપિટલ બનાવવાના પ્રયાસોમાં પણ છે. આ પ્રયાસોના ભાગરૂપે રેખા ગુપ્તાની સરકાર ટૂંક સમયમાં દિલ્હીમાં નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ ૨.૦ લાવવાની તૈયારીમાં છે, જેનાથી શહેરમાં ૨૦,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થવાની આશા છે. પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક ગાડીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર નવા નિયમો પણ લાગુ કરવાની તૈયારીમાં છે, જેના હેઠળ દિલ્હીના દરેક ઘરમાં ખરીદવામાં આવનારી ત્રીજી ખાનગી કાર ઇલેક્ટ્રિક વાહન હોવી જોઈએ.

 

(9:25 PM IST)