<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

જમ્મુ અને કાશ્મીરમાં બર્બર આતંકવાદી હુમલાની અમેરિકન ભારતીયો દ્વારા સખત નિંદા : પીડિત પરિવારો સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરતા ડો. વિઠ્ઠલભાઇ ધડુક

૨૬ નિર્દોષ પ્રવાસીઓના કરુણ મૃત્યુ પર શોક અને આઘાત : વડાપ્રધાન મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થન : આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહીની માંગ

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુ જર્સી : જમ્મુ અને કાશ્મીરમાં ગતરોજ થયેલા બર્બર આતંકવાદી હુમલાની અમેરિકામાં વસતા ભારતીયોએ સખત શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે, જેના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કરવામાં આવ્યો છે. અમેરિકી ભારતીયોએ આ હુમલાને માત્ર વ્યક્તિઓ પર જ નહીં, પરંતુ માનવતાની ભાવના, ભારતની એકતા અને શાંતિ ચાહનારા દેશના લોકો પરનો હુમલો ગણાવ્યો છે.

વિખ્યાત ઉદ્યોગપતિ અને ભારતીય મૂળના ન્યુરોલોજીસ્ટ ડૉ. વિઠ્ઠલભાઈ ધડુકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક અમેરિકન ભારતીય તરીકે, મારું હૃદય મારા દેશબંધુઓ સાથે રડે છે. હું પીડિત પરિવારોના દુઃખમાં સહભાગી છું અને તેમની સાથે અડગ એકતામાં ઊભો છું. કોઈ પણ શબ્દો તેમનું દુઃખ ઓછું કરી શકે તેમ નથી, પરંતુ હું પ્રાર્થના કરું છું કે તેમને આ અકલ્પનીય દુઃખના સમયે શક્તિ અને શાંતિ મળે."

ડો. ધડુકે આ કાયરતાપૂર્ણ અને અર્થહીન આતંકવાદી કૃત્યની સખત નિંદા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આવી બર્બરતા સામે ઝૂકશે નહીં અને ઝૂકવું પણ ન જોઈએ. તેમણે આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભારત સરકારને આ કૃત્ય માટે જવાબદાર લોકો - ગુનેગારો અને તેમને આશ્રય આપનારા કે સમર્થન કરનારાઓ - સામે નિર્ણાયક અને મજબૂત લશ્કરી તેમજ રાજદ્વારી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

ડૉ. ધડુકે ઉમેર્યું હતું કે આ દુઃખદ ઘટના વિશ્વને યાદ અપાવે છે કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો, કોઈ સરહદ નથી હોતી, અને તેનો એકતા અને નિશ્ચય સાથે સામનો કરવો જોઈએ. ભારતે હંમેશા મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કર્યો છે, અને વિશ્વભરના ભારતીયો તેમના રાષ્ટ્ર સાથે મક્કમતાથી ઊભા છે. જય હિન્દ. વંદે માતરમ્.

(10:04 PM IST)