News of Tuesday, 29th April 2025
સરકારી દસ્તાવેજોમાંથી 'કોલોની' શબ્દ દૂર કરાશે - સ્ટાલિન
દલિતોની વસાહતો માટે વપરાતો 'કોલોની' શબ્દ દમન અને અસ્પૃશ્યતાનું પ્રતીક બન્યો : તમિલનાડુના મુખ્યમંત્રીની જાહેરાત

ચેન્નઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મંગળવારે જાહેરાત કરી હતી કે દલિતોની વસાહતોનો ઉલ્લેખ કરવા માટે સામાન્ય રીતે વપરાતો શબ્દ 'કોલોની' હવેથી સરકારી દસ્તાવેજો અને સામાન્ય ઉપયોગમાંથી દૂર કરવામાં આવશે. બજેટ સત્રના અંતિમ દિવસે બોલતા સ્ટાલિને જણાવ્યું હતું કે 'કોલોની' શબ્દ "દમનનું પ્રતીક" અને "અસ્પૃશ્યતા માટેનો કોડ" બની ગયો છે, જે અનુસૂચિત જાતિ (SC)ના લોકોને સતત કલંકિત કરે છે.
સ્ટાલિને કહ્યું હતું કે, "કોલોની શબ્દ આ ભૂમિના મૂળ નિવાસીઓ, અનુસૂચિત જાતિના લોકોનું અપમાન કરવા માટેનો પર્યાય બની ગયો છે. આ શબ્દ દમનનું પ્રતીક બની ગયો હોવાથી, અમે તેને સરકારી દસ્તાવેજો અને સામાન્ય ઉપયોગમાંથી દૂર કરવાનો પ્રયાસ કરીશું." 'કોલોની' શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે દલિત સમુદાયના લોકો જ્યાં રહેતા હોય તે શેરી અથવા વિસ્તારનો ઉલ્લેખ કરવા માટે થાય છે અને તેનાથી લોકો માટે તે વિસ્તારના રહેવાસીઓની જાતિ જાણવી સરળ બને છે.
સ્ટાલિનની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તમિલનાડુમાં દલિતો સામેના અત્યાચારોમાં વધારો થવાને કારણે DMK સરકાર વિવિધ સ્તરેથી ટીકાનો સામનો કરી રહી છે. પોતાના ભાષણમાં સ્ટાલિને એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે DMK ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી સત્તા પર આવશે અને દ્રવિડિયન મોડેલ ઓફ ગવર્નન્સનું વર્ઝન ૨.૦ લોડ થઈ રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, "જો ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જો કોઈ ભૂલો હોય તો અમે તેને સુધારવા માટે પણ તૈયાર છીએ. હું આ વાત દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે કાયદો અને વ્યવસ્થા વિશે ફરિયાદ કરનારા લોકોને કહી રહ્યો છું. આ મણિપુર કે કાશ્મીર નથી. યુપીના કુંભ મેળા જેવી કોઈ મૃત્યુ નથી. આ તમિલનાડુ છે, મહેરબાની કરીને તે ન ભૂલશો."
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
