<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પાકિસ્તાનનો કાળ આવી ગયો! ભારતની 'છોટી' મિસાઈલથી દુશ્મનો કાંપશે : AT4ની તાકાત પહેલા જ જોઈ ચૂક્યા...

પહેલગામ આતંકવાદી હુમલા વચ્ચે ભારતે સ્વીડિશ કંપની સાબ પાસેથી પોર્ટેબલ AT4 મિસાઈલો મેળવી : રશિયા-યુક્રેન યુદ્ધમાં અસરકારક સાબિત થયેલું હથિયાર આતંકવાદ વિરોધી અભિયાનોમાં ગેમ-ચેન્જર બનશે

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ સ્થિતિ વચ્ચે ભારતે સ્વીડિશ કંપની સાબ પાસેથી AT4 એન્ટી-આર્મર હથિયાર પ્રણાલીની પ્રથમ ખેપ મેળવી લીધી છે. આ હળવું, પોર્ટેબલ અને ઘાતક હથિયાર રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકો માટે કાળ સાબિત થયું છે અને હવે તે ભારતની આતંકવાદ વિરોધી રણનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખુદ પાકિસ્તાનના માહિતી મંત્રી પણ ભારતના સંભવિત વળતા પ્રહારને લઈને ડરી રહ્યા છે.

સાબના બિઝનેસ એરિયા ડાયનેમિક્સના વડા ગોર્ગેન જોહાનસને જણાવ્યું હતું કે, "અમને ગર્વ છે કે ભારતીય સશસ્ત્ર દળોએ તેમની સિંગલ-શોટ હથિયારની જરૂરિયાત માટે પણ સાબને પસંદ કર્યું છે. ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને એ વાતનો વિશ્વાસ હોઈ શકે છે કે તેમની પાસે તેમને સરસાઈ અપાવવા માટે જરૂરી મારક ક્ષમતા છે."

ભારત માટે આ હથિયાર શા માટે મહત્વનું છે?
ભારતે આવા સમયે પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત કરી છે જ્યારે સરહદ પર પાકિસ્તાન સાથે તકરાર યથાવત છે. ભારત પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને તેમને આશ્રય આપનારાઓને સજા આપવાની તૈયારીમાં છે. ભયભીત પાકિસ્તાનનું કહેવું છે કે આગામી ૨૪ થી ૩૬ કલાકમાં ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાન સાથેના તાજા તણાવનું કારણ કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી મારી હતી, જેના કારણે ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલા પાછળ પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં AT4ની ડિલિવરી ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને કાશ્મીર જેવા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે.

પાક માટે કાળ કેવી રીતે બનશે?
AT4 મિસાઈલ હળવી, પોર્ટેબલ અને અત્યંત ઘાતક છે. આ ઘાતક હથિયારની તાકાત આખું વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધમાં જોઈ ચૂક્યું છે. આ મિસાઈલ રશિયન ટેન્કો માટે કાળ સાબિત થઈ છે. AT4 એક ડિસ્પોઝેબલ, રિકોઈલ-લેસ હથિયાર છે. તેનું વજન માત્ર ૭.૫ કિલોગ્રામ અને લંબાઈ ૧ મીટર છે. તે ૩૦૦ મીટર સુધીની રેન્જમાં ટેન્ક, બખ્તરબંધ વાહનો અને બંકરોને ભેદવામાં સક્ષમ છે. ભારતે તેનું AT4CS AST વેરિઅન્ટ મેળવ્યું છે, જે શહેરી વિસ્તારો અને ઇમારતો જેવી મર્યાદિત જગ્યામાં ઉપયોગ માટે આદર્શ છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનિયન સૈનિકોએ આ હથિયારનો ઉપયોગ ગેરિલા યુદ્ધમાં રશિયન બખ્તરબંધ વાહનોને નષ્ટ કરવા માટે કર્યો હતો.

અન્ય તૈયારીઓ:
AT4 ઉપરાંત, ભારતે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમના ત્રણ સ્ક્વોડ્રન તૈનાત કર્યા છે અને અગ્નિ-૫ મિસાઈલના MIRV વેરિઅન્ટનું પરીક્ષણ કર્યું છે. રશિયાએ ભારતને R-37M હાયપરસોનિક મિસાઈલની ઓફર પણ કરી છે. આ પગલાં ભારતની પરંપરાગત અને આધુનિક યુદ્ધ ક્ષમતાઓને વધારવાની દિશામાં છે. આ મિસાઈલનો ઉપયોગ ભારત આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં ચોક્કસપણે કરશે, જે ભારતની તાકાતમાં વધુ વધારો કરશે.

(9:12 AM IST)