News of Wednesday, 30th April 2025
ભારે કરીઃ વધુ એક જમાઈ પોતાની સાસુને લઈને ભાગ્યો
લગ્નના ૧૩ દિવસ પહેલા કાંડ કર્યોઃ હવે પકડાઈ ગયા : કાઉન્સેલિંગ બાદ મહિલાએ પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી

ગોંડા,તા.૩૦: ઉત્તર પ્રદેશના ગોંડામાં પણ અલીગઢ જેવો જ કિસ્સો સામે આવ્યો છે. ૪૪ વર્ષની મહિલા પોતાના થનારા જમાઈ સાથે ભાગી ગઈ હતી. પતિની ફરિયાદ પર પોલીસે ૭૨ કલાકની અંદર બંનેની ધરપકડ કરી લીધી છે. પોલીસે સાસુને લઈને મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કાઉન્સેલિંગ કરાવ્યું. કાઉન્સેલિંગ બાદ મહિલાએ પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસે પતિને બોલાવીને તેની સાથે મહિલાને ઘરે મોકલી દીધી.
આ બાજુ પતિનું કહેવું છે કે તેની પત્નીનું મગજ ઠેકાણે નહોતું. એટલા માટે તેણે આવું પગલું ભર્યું છે. મહિલાએ કહ્યું કે, હું મારા પતિ સાથે જ રહીશ. આ ઘટના ખોડારે વિસ્તારના હબીરપુર ગામની છે.
૯મેના રોજ ઉષા દેવીની દીકરીના લગ્ન હતા, પણ તે ૨૫ એપ્રિલની સાંજે જમાઈ સાથે ભાગી ગઈ. આ પ્રેમ કહાનીમાં પણ કેટલાય ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લગભગ ૬ મહિના પહેલા ઓક્ટોબર ૨૦૨૪માં ઉષા દેવીએ પોતાની દીકરીના લગ્ન બસ્તી જિલ્લાના દુબૌલિયાના ભુઈરા ગામના રામસ્વરૂપ સાથે નક્કી કર્યા હતા. આ સંબંધ બંનેના પરિવારની મરજીથી થયા હતા.
થોડા દિવસ બાદ છોકરાએ વાત કરવા માટે છોકરીને ફોન ગિફ્ટમાં આપ્યો. બે મહિના સુધી બંને વચ્ચે ફોન પર વાત થતી રહી. ચાર મહિના પહેલા ડિસેમ્બરમાં રામસ્વરૂપે લગ્ન કરવાની ના પાડી દીધી. તેનું કહેવું હતું કે, છોકરી ખરાબ છે. તેથી ઉષા દેવીએ ફેબ્રુઆરીમાં પોતાની છોકરીના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા.
નવાઈની વાત એ છે કે આ સંબંધ તોડ્યા બાદ રામસ્વરૂપ છોકરીની મા ઉષા દેવી સાથે વાત કરવા લાગ્યો. રામસ્વરૂપ અને ઉષા દેવી કલાકો સુધી ફોનમાં વાત કરતા રહેતા. બંને એકબીજાની નજીક આવી ગયા તો દીકરીના લગ્નના ૧૩ દિવસ પહેલા ૨૫ એપ્રિલની સવારે કોઈને પણ કહ્યા વિના ઘરેથી ભાગી ગયા.
જ્યારે તેમની ભાળ ન મળી તો ૨૭ એપ્રિલની સાંજે ૭ વાગ્યે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. ગોંડા પોલીસે બસ્તી પોલીસનો સંપર્ક કર્યો. બસ્તી પોલીસે મંગળવારે ઉષા દેવી અને રામસ્વરૂપ બંનેને પકડી લીધા.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
