News of Wednesday, 30th April 2025
ભણવાની ઉંમરમાં બે છોકરીઓ ઘરેથી ભાગી ગઈઃ એક બીજા સાથે લગ્ન કરવાની જીદ પકડી
મા-બાપની આબરુના કાંકરા થઈ ગયાઃ સુલ્તાનપુરમાં નિષાદ અને દલિત જાતિની બે યુવતીઓએ સમલૈંગિક વિવાહ કરવાનો નિર્ણય લીધો : પોલીસે તેમને ઝડપી પરિવારને સોંપી દીધી છે. બંને છોકરીઓ એકબીજા સાથે લગ્ન કરવાની જીદ પકડી છે. પણ કોઈ સમાધાન નીકળતું નથી

સુલ્તાનપુર,તા.૩૦: ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરના ચાંદા કોતવાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે અલગ અલગ ગામની નિષાદ અને દલિતની બે દીકરીઓએ સમલૈંગિક લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ગામમાં હાહાકાર મચી ગયો છે. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પણ કેટલાય કલાકની વાતચીત અને સમજાવવા છતાં કોઈ પરિણામ નીકળ્યું નહીં.
રાની અને આરતી (કાલ્પનિક નામ) બંને ચાંદા કોતવાલી વિસ્તારમાં આજુબાજુના ગામમાં રહે છે. તેમાંથી એક છોકરી દલિત અને બીજી નિષાદ જાતિની છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, એક યુવતી ગુમ થવાની ફરિયાદ પરિવારે ચાંદા પોલીસ ચોકીમાં નોંધાવી હતી. પોલીસની તપાસ બાદ ૧૯ અને ૨૦ વર્ષની બે યુવતીઓ સોમવારે સવારે મળી ગઈ. પોલીસ તેમને ચોકીએ લઈ આવી.
પોલીસ કસ્ટડીમાં આવેલી યુવતીઓ બંને એકબીજા સાથે લગ્ન કરવા પર અડગ રહી. પ્રભારી નિરીક્ષક ચાંદા અશોક કુમાર સિંહે તેમને સમજાવવાની કોશિશ કરી, પણ તેઓ માની નહીં. લગભગ ૩.૩૦ કલાકે પોલીસે તેમને એસડીએમ લંભુઆ કોર્ટમાં મોકલી, પણ ત્યાં પણ કોઈ સમાધાન નીકળ્યું નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની મુલાકાત ૩ વર્ષ પહેલા થઈ હતી. બંનેમાં દોસ્તી વધી અને પ્રેમ થયો. લગભગ અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ-પ્રસંગ ચાલી રહ્યો છે. થોડા સમયથી બંને એક સાથે સિલાઈ શીખવા જઈ રહી હતી. રાની હાઈ સ્કૂલ પાસ છે, જ્યારે આરતી સાતમા ધોરણ સુધી ભણેલી છે.
કહેવાય છે કે ૨૪ એપ્રિલના રોજ બંને ઘરેથી ભાગી નીકળી હતી. પરિવારે પોલીસથી સત્ય છુપાવી સામાન્ય ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન પોતાના કાંડા પર બ્લેડથી રાનીનું નામ લખાવ્યું. અપર પોલીસ અધીક્ષક અખંડ પ્રતાપ સિંહે જણાવ્યું કે આ બંને છોકરીઓ ઘરેથી ભાગી ગઈ હતી.
ગુમ થયેલી આ છોકરીઓને શોધી કાઢવામાં આવી છે. બંને એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બંનેને તેમના પરિવારને સોંપી દેવામાં આવી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
