<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ભારત-પાક વિવાદમાં હવે યુનોએ એન્‍ટ્રી મારી

યુનોના મહામંત્રીએ જયશંકર અને પાક પીએમને ફોન કર્યો

નવી દિલ્‍હી, તા.૩૦: ૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ હુમલા પછી, ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના સંબંધો સૌથી નીચા સ્‍તરે પહોંચી ગયા છે. આવી સ્‍થિતિમાં, સંયુક્‍ત રાષ્‍ટ્રના મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસે પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ભારતના વિદેશ પ્રધાન જયશંકર સાથે ફોન પર વાત કરી.

યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે પહેલગામ હુમલાની કડક નિંદા કરી અને આ કેસમાં ન્‍યાય અને જવાબદારીના મહત્‍વ પર ભાર મૂકયો. તેમણે શાહબાઝ શરીફ અને જયશંકર સાથે ફોન પર આ મુદ્દા પર ચર્ચા કરી અને કાયદાકીય માધ્‍યમથી આ હુમલાઓ માટે જવાબદારી સુનિશ્‍ચિત કરવા પર ભાર મૂકયો.

ગુટેરેસના પ્રવક્‍તા સ્‍ટીફન ડુજારિકે જણાવ્‍યું હતું કે મહાસચિવે ભારતના વિદેશ મંત્રી જયશંકર અને પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગપ્રઅલગ ફોન પર વાત કરી હતી. મહાસચિવે ૨૨ એપ્રિલના રોજ જમ્‍મુ અને કાશ્‍મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી.

ગુટેરેસે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્‍યક્‍ત કરી અને ભાર મૂકયો કે કોઈપણ પ્રકારની મુકાબલાની પરિસ્‍થિતિ ટાળવી મહત્‍વપૂર્ણ છે કારણ કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે વર્તમાન તણાવ ઘટાડવાના કોઈપણ પ્રયાસમાં મદદ કરવાની તૈયારી દર્શાવી.

આ વાતચીત પછી, વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યું કે તેમણે સંયુક્‍ત રાષ્‍ટ્રના મહાસચિવ ગુટેરેસ સાથે ફોન પર વાત કરી. તેમણે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, જેની અમે પ્રશંસા કરીએ છીએ. આ ઘટનામાં, જવાબદારી સુનિશ્‍ચિત કરવાના મહત્‍વ પર સર્વસંમતિ હતી. ભારત પ્રતિબદ્ધ છે કે આ હુમલાના કાવતરાખોરો, સમર્થકો અને ગુનેગારોને ન્‍યાયના કઠેડામાં લાવવામાં આવશે.

યુએન સેક્રેટરી જનરલ સાથેની વાતચીત દરમિયાન, શાહબાઝ શરીફે પહેલગામ હુમલામાં પાકિસ્‍તાનની સંડોવણીના આરોપોને ફગાવી દીધા. આ સાથે, શરીફે સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર જમ્‍મુ અને કાશ્‍મીર વિવાદના ઉકેલમાં ભૂમિકા ભજવવા માટે યુએનને વિનંતી કરી.

પાકિસ્‍તાનના પીએમ શાહબાઝ શરીફે પણ એક સોશિયલ મીડિયા પોસ્‍ટમાં કહ્યું કે તેમણે આજે સાંજે યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસ સાથે ટેલિફોન પર વાતચીત કરી. અમે તમામ સ્‍વરૂપોમાં આતંકવાદની નિંદા કરીએ છીએ અને ભારતના પાયાવિહોણા આરોપોને નકારી કાઢીએ છીએ અને પહેલગામ ઘટનાની નિષ્‍પક્ષ તપાસની માંગ કરીએ છીએ.(૨૩.૨)

(10:23 AM IST)