News of Wednesday, 30th April 2025
સેનાને સંપૂર્ણ છૂટ...જો યુદ્ધ થાય તો કેટલો ખર્ચ થશે ?
ભારતને લાખો કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થઈ શકે છેઃ કારગિલ યુદ્ધમાં પણ હજારો કરોડ રૂપિયા ખર્ચાયા હતા યુદ્ધનો ખર્ચ અનેક લાખ કરોડ રૂપિયામાં પહોંચી શકે છેઃ આર્થિક નુકસાનનો અંદાજ ૭૫૦ બિલિયન સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી તા.૩૦: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક બાદ, પીએમ મોદીએ આતંકવાદને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે ભારતીય સશષા દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. સેનાને પોતાની કાર્યવાહી, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ યુદ્ધ થાય તો તેની કિંમત ખૂબ ઊંચી હશે. આ રકમ અનેક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, યુદ્ધના ખર્ચનો ચોક્કસ અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ એ છે કે તે કાટનો સમયગાળો, તીવ્રતા અને હદ જેવા ઘણા પરિબળો પર આધાર રાખે છે. છતાં, કારગિલ યુદ્ધના અનુભવો અને કેટલીક ધારણાઓના આધારે, આપણે ચોક્કસપણે એક ખ્યાલ મેળવી શકીએ છીએ.
વિવિધસ્ત્રોતો અનુસાર, ૧૯૯૯ના કારગિલ યુદ્ધનો ભારતને અંદાજિત ખર્ચ ૫,૦૦૦ કરોડથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હતો. તે સમયના સંદર્ભમાં આ ખૂબ મોટી રકમ હતી. આમાં લશ્કરી કામગીરી, દારૂગોળો, લોજિસ્ટિક્સ, સૈનિકોના પગાર અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થતો હતો. ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાનો અંદાજિત ખર્ચ આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા હતો. સેનાના દૈનિક ઓપરેશનનો ખર્ચ લગભગ ૧૦-૧૫ કરોડ રૂપિયા થાય છે.
યુદ્ધનો ખર્ચ હવે અનેક ગણો કેમ વધશે?
હવે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ યુદ્ધ થાય છે તો તેની કિંમત કારગિલ યુદ્ધ કરતા ઘણી વધારે હશે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. પ્રથમ, બંને દેશોની સેનાઓ ૧૯૯૯ કરતા ઘણી મોટી અને વધુ અદ્યતન બની ગઈ છે. આધુનિક શષા પ્રણાલીઓ અને ટેકનોલોજી ખૂબ ખર્ચાળ છે. બીજું, કારગિલ મર્યાદિત વિસ્તારમાં લડાયું હતું. સંપૂર્ણ પાયે યુદ્ધમાં સમગ્ર સરહદી વિસ્તારો, હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ વિસ્તારો સામેલ થઈ શકે છે. આનાથી ખર્ચ અનેક ગણો વધી જશે. ત્રીજું, કારગિલ યુદ્ધ લગભગ અઢી મહિના સુધી ચાલ્યું. સંપૂર્ણ પાયે યુદ્ધ તેનાથી વધુ લાંબું ચાલી શકે છે. આનાથી દૈનિક અને એકંદર ખર્ચમાં ભારે વધારો થશે.
અર્થતંત્ર પર ગંભીર અસર પડશે
યુદ્ધની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડશે. આમાં ઉત્પાદનમાં ઘટાડો, વ્યવસાયમાં વિક્ષેપ, ફુગાવામાં વધારો અને રોકાણકારોના વિશ્વાસમાં ઘટાડો શામેલ છે. પરોક્ષ આર્થિક ખર્ચ સીધા લશ્કરી ખર્ચ કરતાં ઘણો વધારે હોઈ શકે છે. આ ઉપરાંત, સૈનિકો અને નાગરિકોના જાનમાલનું નુકસાન અને ઘાયલોની સંભાળ રાખવાનો ખર્ચ પણ ખૂબ વધારે થશે. આનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
આ અંદાજો ખર્ચનો સંકેત આપે છે
તાજેતરના વિશ્લેષણ (એપ્રિલ ૨૦૨૫) મુજબ, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર અઠવાડિયાનું પરંપરાગત યુદ્ધ થાય છે, તો ભારતને ઼૭૫૦ બિલિયન (લગભગ રૂ. ૬૨ લાખ કરોડ) સુધીનું આર્થિક નુકસાન થઈ શકે છે. આ આંકડો ફક્ત લશ્કરી ખર્ચને જ નહીં, પણ યુદ્ધને કારણે થતા વ્યાપક આર્થિક નુકસાનને ધ્યાનમાં લે છે. બીજા એક અંદાજ મુજબ, મર્યાદિત ૪૨ દિવસના યુદ્ધથી ભારતને લગભગ ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
