<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વિશાખાપટ્ટનમમાં મંદિર દુર્ઘટનામાં 8 લોકોના મોત પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું : વળતરની જાહેરાત

દરેક મૃતકના પરિવારજનોને કેન્દ્ર દ્વારા 2 લાખ અને રાજ્ય સરકાર તરફથી 25 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને રાજ્ય સરકાર 3 લાખ અને કેન્દ્ર સરકાર ૫૦,૦૦૦ રૂપિયા અપાશે

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાત્રે શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થતાં આઠ લોકોના મોત થયા હતા. ચાર લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. ટ્વિટર પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી.

પીએમઓના એક્સ-હેન્ડલ પરથી પોસ્ટમાં લખ્યું હતું કે, 'આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલા મૃત્યુથી ખૂબ દુઃખ થયું.' જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. પીએમએનઆરએફ તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ 8 શ્રદ્ધાળુઓના દુઃખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે ભગવાનના મૂળ સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. મોડી રાત્રે, ભારે વરસાદને કારણે, કતારની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે ઘણા લોકોના જીવ ગયા.

 મુખ્યમંત્રી નાયડુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દરેક પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે 3 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

  આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ કતારમાં દિવાલ પડવાથી જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેને હૃદયદ્રાવક ઘટના ગણાવતા તેમણે કહ્યું કે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા આવેલા ભક્તોને આ રીતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો તે ખૂબ જ દુઃખદ છે.

 વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવમ ઉત્સવ દરમિયાન 20 ફૂટ લાંબુ કામચલાઉ માળખું ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.

(12:13 PM IST)