News of Wednesday, 30th April 2025
પાકિસ્તાનનું પાણી રોકવા મુદ્દે ટિકૈત બંધુઓ આમને-સામને : નરેશે વિરોધ કર્યો - રાકેશે કહ્યું- હું ટ્રેક્ટરથી જઈશ પાણી રોકવા
સિંધુ જળ સંધિ પર રોક લગાવવાના નિર્ણય પર ખેડૂત નેતાઓમાં મતભેદ : રાકેશ ટિકૈતે સરકારને માટીની જરૂર પડે તો ટ્રેક્ટર ભરીને પહોંચવાની અને મફતમાં માટી આપવાની વાત કરી

નવી દિલ્હી: સિંધુ જળ સંધિ પર રોક લગાવવાના નિર્ણય પર ખેડૂત નેતાઓમાં બે ભાગલા પડી ગયા છે. ટિકૈત બંધુઓ આ મુદ્દે આમને-સામને આવી ગયા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. જ્યારે રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો સરકારને પાકિસ્તાનનું પાણી રોકવા માટે માટીની જરૂર પડશે, તો અમે ટ્રેક્ટરમાં માટી ભરીને ત્યાં પહોંચી જઈશું. સરકારને મફતમાં માટી આપીશું. જે ટ્રેક્ટરથી દિલ્હી પહોંચ્યા હતા, એ જ ટ્રેક્ટરથી ત્યાં પણ જઈશું.
નરેશ ટિકૈતે કહ્યું કે પહેલગામની ઘટનામાં કેટલાક લોકોની ભૂલની સજા આખી જનતાને ભોગવવી પડે તે યોગ્ય નથી. ટિકૈતે વધુમાં કહ્યું કે પાકિસ્તાને પોતાના દેશમાં વધી રહેલા આતંકવાદીઓ પર લગામ લગાવવી જોઈએ. સાથે જ ભારત સરકારે કડક કાર્યવાહી કરીને આતંકવાદીઓને ખતમ કરી દેવા જોઈએ. નરેશ ટિકૈતે કહ્યું કે પહેલગામમાં થયેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. આતંકવાદ સામે સરકાર સખત કાર્યવાહી કરે, પરંતુ સિંધુ નદી સમજૂતી રદ કરીને પાકિસ્તાનને જતું પાણી રોકવું સરકારનો ખોટો નિર્ણય છે.
નરેશ ટિકૈતથી અલગ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતનું નિવેદન સામે આવ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આ હુમલો ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. તેનાથી માત્ર દેશવાસીઓની ભાવનાઓ જ નહીં, પરંતુ કાશ્મીરની પર્યટન વ્યવસ્થા પણ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓ પર હુમલો કરવો એ માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ ત્યાંના આર્થિક કરોડરજ્જુને તોડવાનું કાવતરું છે.
ટિકૈતે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, "જો સરકારને પાકિસ્તાનનું પાણી રોકવા માટે માટીની જરૂર પડશે, તો અમે ટ્રેક્ટરમાં માટી ભરીને ત્યાં પહોંચી જઈશું. સરકારને મફતમાં માટી આપીશું. જે ટ્રેક્ટરથી દિલ્હી પહોંચ્યા હતા, એ જ ટ્રેક્ટરથી ત્યાં પણ જઈશું."
તેમણે એમ પણ કહ્યું કે અમરનાથ યાત્રા પર પહેલા પણ હુમલા થયા છે, પરંતુ હવે સ્થિતિ ઘણી સારી છે. સેના દરેક જગ્યાએ તૈનાત છે. સરકાર અને સેના બંને સતર્ક છે. અમરનાથ યાત્રા પર કોઈ ખતરો નથી.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
