<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેશે લોરેન્સ બિશ્નોઈ! પાકિસ્તાનને ધમકી

ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પહેલગામ હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘૂસીને એક લાખ બરાબરનો માણસ મારવાની ધમકી આપી : લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદને નિશાન બનાવવાની શક્યતા

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હિન્દુ હોવાની પુષ્ટિ થયા બાદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા અને ૨૨ ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી શરૂઆતમાં ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકવાદી સંગઠને લીધી હતી, પરંતુ ભારતના આક્રોશ બાદ તેણે ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનને આ હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે કારણ કે TRF નું કનેક્શન લશ્કર-એ-તૈયબા સાથે છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત કેટલાક અન્ય નિર્ણયો પણ લીધા છે, જેનાથી પાકિસ્તાનને ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત ટૂંક સમયમાં આ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે કોઈ કડક પગલાં ભરી શકે છે. આ દરમિયાન ભારતના એક ગેંગસ્ટરે પાકિસ્તાનને ધમકી આપી છે.
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનને ધમકી આપી છે. લોરેન્સની ગેંગે સોશિયલ મીડિયા પર ધમકી આપતા લખ્યું, “તમે અમારા નિર્દોષ લોકોને માર્યા છે, અમે હવે પાકિસ્તાનમાં ઘૂસીને એક એવો માણસ મારીશું જે એક લાખ બરાબર હશે. તમે હાથ મિલાવશો તો અમે ગળે લગાવીશું અને આંખ બતાવશો તો અમે આંખ કાઢી લઈશું. તમે આવી નીચ હરકત કરશો તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું અને તે પણ પાકિસ્તાનમાં ઘૂસીને.”
લોરેન્સ બિશ્નોઈની ગેંગે ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન, લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદનો ફોટો શેર કરીને તેના પર રેડ ક્રોસ લગાવીને આ ધમકી આપી હતી. આથી સ્પષ્ટ છે કે લોરેન્સ ગેંગનું નિશાન હાફિઝ સઈદ છે.

 

(3:24 PM IST)