<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મોદી સરકાર કરાવશે જાતિ આધારિત વસ્તી ગણતરી : મૂળ વસ્તી ગણતરીની સાથે જ હાથ ધરાશે : કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટે આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો : કોંગ્રેસ અને તેની અગાઉની સરકારોએ હંમેશા જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હોવાનો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આક્ષેપ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરીને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે જાતિગત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે. આ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીની સાથે જ હાથ ધરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ મંત્રીમંડળના નિર્ણયો અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આજે નિર્ણય કર્યો છે કે જાતિ ગણતરીને આગામી વસ્તી ગણતરીમાં સામેલ કરવામાં આવશે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને તેની અગાઉની સરકારોએ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. આઝાદી પછીથી જ જાતિને વસ્તી ગણતરીની કોઈપણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી નથી. ૨૦૧૦ માં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહે લોકસભામાં ખાતરી આપી હતી કે જાતિગત વસ્તી ગણતરીને કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ એક મંત્રીમંડળ જૂથની રચના કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત વસ્તી ગણતરીની ભલામણ કરી હતી. તેમ છતાં કોંગ્રેસે માત્ર ઔપચારિકતા જ નિભાવી હતી અને માત્ર સર્વે કરાવવાનું જ યોગ્ય માન્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને તેના ઈન્ડિયા ગઠબંધનના સહયોગીઓએ જાતિ ગણતરીને માત્ર એક રાજકીય સાધન તરીકે ઉપયોગ કર્યો છે. વસ્તી ગણતરીનો વિષય બંધારણના અનુચ્છેદ ૨૪૬ ની કેન્દ્રીય સૂચિના ક્રમ નંબર ૬૯ પર અંકિત છે અને તે કેન્દ્રનો વિષય છે. જો કે, કેટલાક રાજ્યોએ જાતિઓની ગણતરી માટે સર્વે સુચારૂ રીતે કર્યો છે, જ્યારે કેટલાક રાજ્યોએ રાજકીય દૃષ્ટિકોણથી બિન-પારદર્શક રીતે આવા સર્વે કર્યા છે, જેના કારણે સમાજમાં ભ્રાંતિ ફેલાઈ છે. તેમણે કહ્યું કે આપણા સામાજિક માળખા પર રાજનીતિનું દબાણ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જાતિ વસ્તી ગણતરી માટે એક મંચ તૈયાર કરવો જોઈએ. તેનાથી એ સુનિશ્ચિત થશે કે સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત થશે અને દેશનો વિકાસ પણ અવરોધ વિના ચાલતો રહેશે.
ભારતમાં વસ્તી ગણતરી ૧૯૫૧ થી દર ૧૦ વર્ષના અંતરાલે કરવામાં આવતી હતી, પરંતુ ૨૦૨૧ માં કોરોના રોગચાળાને કારણે તે ટળી ગઈ હતી. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) ને અપડેટ કરવાનું કામ પણ બાકી છે. હજી સુધી વસ્તી ગણતરીની નવી તારીખની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીના આંકડા ૨૦૨૬ માં જાહેર કરવામાં આવશે, જેનાથી ભવિષ્યમાં વસ્તી ગણતરીનું ચક્ર બદલાઈ જશે, જેમ કે ૨૦૨૫-૨૦૩૫ અને પછી ૨૦૩૫ થી ૨૦૪૫.
વસ્તી ગણતરી શા માટે મહત્વપૂર્ણ છે? વસ્તી ગણતરીના આંકડા સરકાર માટે નીતિઓ બનાવવા અને તેના અમલ કરવા તેમજ દેશના સંસાધનોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તેનાથી માત્ર વસ્તી જ નહીં પરંતુ વસ્તી વિષયક માહિતી, આર્થિક સ્થિતિ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પાસાઓ વિશે માહિતી મળે છે. વિપક્ષી કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે, જેથી દેશમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) ની કુલ સંખ્યા જાણી શકાય.
ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ૧૮૭૨ માં અને છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં થઈ હતી. આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી ૧૯૫૧ માં થઈ હતી. આંકડાઓ અનુસાર, ૨૦૧૧ માં ભારતની કુલ વસ્તી ૧૨૧ કરોડ હતી, જ્યારે લિંગ પ્રમાણ ૧૦૦૦ પુરુષો દીઠ ૯૪૦ મહિલાઓ અને સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા હતો.

 

(5:09 PM IST)