<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે મહિલા નેતૃત્વની ચર્ચા : ઓબીસી ચહેરાની પણ અટકળો

જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક બાદ પ્રદેશ અધ્યક્ષની જાહેરાતની આતુરતા

ગાંધીનગર, 1 મે, 2025: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે નવી નિમણૂકને લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં ભાજપે પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, જેના પગલે હવે પ્રદેશ અધ્યક્ષની જાહેરાતનો માર્ગ મોકળો થયો છે. આગામી નેતૃત્વ માટે મહિલા અધ્યક્ષની પસંદગીની અટકળો જોર પકડી રહી છે, જ્યારે ઓબીસી સમુદાયમાંથી નવો ચહેરો ઉભરી આવે તેવી શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. ભાજપના આગામી પગલાં અંગે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.

મહિલા નેતૃત્વની શક્યતા, પણ પડકારો યથાવત:
પ્રદેશ ભાજપે તાજેતરમાં જામનગર શહેર પ્રમુખ તરીકે બિના કોઠારી, ખેડા જિલ્લા પ્રમુખ તરીકે નયના પટેલ અને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે ચેતના તિવારી (રૂપારેલ)ની નિમણૂક કરી, જેના દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. આ નિમણૂકોને પગલે પ્રદેશ અધ્યક્ષ પદે મહિલા નેતૃત્વની ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે, કેટલાક વરિષ્ઠ નેતાઓ અને જાણકારો મહિલા અધ્યક્ષની પસંદગીને લઈ સંશય વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે 24/7 કામગીરી, કેન્દ્રીય નેતૃત્વ સાથે સંકલન અને રાત્રે પણ ઝડપી નિર્ણયો લેવાની જવાબદારી મહિલાઓ માટે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જો તેઓ ઘરેલું જવાબદારીઓ પણ નિભાવતા હોય. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખની પસંદગી દરમિયાન પણ મહિલા નેતાઓના નામો ચર્ચામાં હતા, પરંતુ આખરે આ વિચાર આગળ વધ્યો ન હતો.

બીજી તરફ, ભાજપની જ્ઞાતિ સમીકરણોને સંતુલિત કરવાની નીતિને ધ્યાનમાં રાખીને ઓબીસી સમુદાયમાંથી નેતૃત્વ ઉભરી આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. ખાસ કરીને, મુખ્યમંત્રી પદે પાટીદાર નેતૃત્વ હોવાથી, પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરાને તક મળી શકે છે. આ માટે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, રાજ્યસભા સાંસદ મયંક નાયક અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નામ ચર્ચામાં છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી અણધાર્યા નામો સાથે આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતી છે, તેથી આ વખતે પણ સરપ્રાઈઝની શક્યતા નકારી શકાય નહીં.

જાણકારોના મતે, આગામી એકથી બે અઠવાડિયામાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. જોકે, હાલ દેશમાં પહેલગામ હુમલાને લઈ રાજકીય માહોલ તંગ હોવાથી, ભાજપ આ જાહેરાતને કેટલાક સમય માટે મુલતવી રાખે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. તેમ છતાં, જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકની જાહેરાત અઘરા સમયમાં પણ કરી દેવાઈ હોવાથી, ભાજપ ગમે ત્યારે પ્રદેશ અધ્યક્ષના નામનો ખુલાસો કરી શકે છે. આ નિર્ણય રાજ્ય ભાજપની સંગઠનાત્મક શક્તિ અને આગામી રણનીતિને નવી દિશા આપશે.

 

(6:15 PM IST)