News of Thursday, 1st May 2025
જાતિ ગણતરી સમયની માંગ - કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયની પ્રશંસા
ચિરાગ પાસવાનનું નિવેદન, જાતિ ગણતરી વંચિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદરૂપ થશે : સ્વતંત્ર ભારતમાં નેહરુ-ગાંધી પરિવારે સત્તામાં હોવા છતાં જાતિગત વસ્તી ગણતરી માટે કોઈ પગલાં ન લીધાં

નવી દિલ્હી, 1 મે 2025: આગામી વસ્તી ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા લોજપા (રામવિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, આ નિર્ણય સમયની માંગ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા ચિરાગ પાસવાને વિપક્ષ પર શ્રેય લેવા અને દાવો કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા કે, આ પગલું તેમના દબાણ હેઠળ લેવામાં આવ્યું છે. તેમણે વિપક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ચૂંટણી લાભ માટે આ મુદ્દાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કોંગ્રેસ સરકારો સત્તામાં હતી ત્યારે આ અંગે કોઈ પગલાં લીધાં નહોતા.
ચિરાગ પાસવાને એમ પણ જણાવ્યું હતું કે, જાતિગત વસ્તી ગણતરી અંગેના તેમના મંતવ્યોમાં સાથી પક્ષ ભાજપ સાથે મતભેદ હોવાને કારણે તેઓ ઘણીવાર એકલા પડી જતા હતા. ચિરાગ પાસવાને જાતિગત વસ્તી ગણતરીની હિમાયત કરી હતી, પરંતુ બુધવારની જાહેરાત સુધી ભાજપ તેનો વિરોધ કરતી રહી હતી અને દલીલ કરતી હતી કે જાતિગત ગણતરી વિભાજનકારી હશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, "ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આ નિર્ણય સમયની જરૂરિયાત હતો."
ચિરાગ પાસવાને કહ્યું હતું કે, જાતિ ગણતરી સમાજના એ વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદરૂપ થશે, જેમને સરકારી યોજનાઓ અથવા અનામત નીતિનો કોઈ લાભ મળી રહ્યો નહોતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીનો પક્ષ કેન્દ્રમાં ઘણા વર્ષો સુધી સત્તામાં હતો અને સ્વતંત્ર ભારતમાં તેમના પરિવારના ત્રણ સભ્યો વડાપ્રધાન રહી ચૂક્યા છે. પરંતુ તેમણે જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટે કોઈ પગલાં લીધાં નહોતા. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ કરવા ઈચ્છતા હતા."
ચિરાગ પાસવાને કોંગ્રેસ શાસિત કર્ણાટક અને તેલંગાણામાં કરવામાં આવેલા જાતિગત સર્વેક્ષણોને અપારદર્શક અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે વિપક્ષના આરોપને ફગાવી દીધો હતો કે, મોદી સરકારે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે, ખાસ કરીને બિહારમાં. તેમણે દલીલ કરી હતી કે, "જો એવું હોત તો અમે તે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કર્યું હોત."
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
