News of Thursday, 1st May 2025
નાપાક હરકત: પહેલગામ હુમલા બાદ દેશ પર 10 લાખથી વધુ સાયબર હુમલા : રેલવે અને બેન્કિંગ સિસ્ટમ નિશાન પર
મહારાષ્ટ્ર સાયબર સેલના રિપોર્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને પશ્ચિમ એશિયાના ઇસ્લામિક સાયબર જૂથોની સંડોવણી : સંવેદનશીલ ડેટા લીક થવાની ગંભીર ચિંતા

મુંબઈ: પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત નવી સાયબર સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગના જણાવ્યા અનુસાર, 23 એપ્રિલથી અત્યાર સુધીમાં ભારત પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા છે, જો કે તેમાંથી કેટલાક હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. સાયબર સેલના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રેલવે, બેન્કિંગ સિસ્ટમ અને સરકારી પોર્ટલ ખાસ કરીને નિશાન પર છે.
રિપોર્ટ અનુસાર, શિક્ષણ, સંરક્ષણ, બેન્કિંગ અને સંચાર ક્ષેત્રોને ખાસ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ સંબંધિત વિભાગોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. આ હુમલાઓમાં પાકિસ્તાન, પશ્ચિમ એશિયા, મોરોક્કો અને ઇન્ડોનેશિયાના ઇસ્લામિક સાયબર જૂથોની સંડોવણી હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશના હેકર જૂથ, મિસ્ટિરિયસ ટીમ બાંગ્લાદેશ (એમટીબીડી) એ પણ હુમલા કર્યા છે. એમટીબીડી મોટા સાયબર હુમલાઓને અંજામ આપવા માટે કુખ્યાત છે. આ હુમલાઓમાં સિસ્ટમ ક્રેશ થઈ જાય છે અથવા કામ કરવાનું બંધ કરી દે છે.
મહારાષ્ટ્ર સાયબરના એડીજી યશસ્વી યાદવે કહ્યું કે, એજન્સીઓને રેડ ટીમ આકલન, ડીડીઓએસ (ડિસ્ટ્રિબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ) ફેઈલઓવર પરીક્ષણ અને વ્યાપક સિસ્ટમ ઓડિટ કરીને સાયબર સુરક્ષા મજબૂત કરવા વિનંતી કરવામાં આવી છે.
પાકિસ્તાની હેકરોએ સૈનિક કલ્યાણ બોર્ડને બનાવ્યું નિશાન પાકિસ્તાની એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ (એપીટી) ગ્રુપ ઇનસેન પીકેએ આર્મી કોલેજ ઓફ નર્સિંગ, સૈનિક કલ્યાણ બોર્ડ અને ઘણી આર્મી સ્કૂલોની વેબસાઇટોને નિશાન બનાવ્યું છે. આ હુમલાખોરો વેબ પ્રોટોકોલ દ્વારા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની નબળાઈઓનો લાભ ઉઠાવે છે. એક્સેસ મળ્યા પછી તેઓ વેબસાઇટનો દુરુપયોગ કરે છે અને અનધિકૃત કન્ટેન્ટ પોસ્ટ કરે છે.
ઇન્ડોનેશિયાના ઇન્ડો હેક્સ સેક નામના જૂથે પણ ઘણા હુમલાઓની જવાબદારી લીધી છે. ભારતીય ટેલિકોમ કંપનીઓના ડેટાબેઝમાં પણ ઘૂસણખોરી કરવામાં આવી છે. તેમણે રૂટ એક્સપ્રેસ અને ગારા લીક્સ નામના દસ્તાવેજો જાહેર કર્યા, જેમાં સંવેદનશીલ માહિતી હતી.
પશ્ચિમ એશિયાના ગોલ્ડન ફાલ્કન હેકરોએ પણ કર્યા હુમલા પશ્ચિમ એશિયાથી સંચાલિત થતું ગોલ્ડન ફાલ્કન નામનું હેકર જૂથ સિસ્ટમમાં માલવેર હુમલા માટે જાણીતું છે. આ જૂથોએ તાજેતરમાં ડાર્ક વેબ પર ફાલ્કન ડમ્પ લીક્સ સાઇટ નામનો રિપોર્ટ જાહેર કર્યો, જેમાં ઘણા હુમલાઓની વિગતો છે.
ભારતીય ટેલિકોમ ડેટાના ટેરાબાઇટ્સ ડાર્ક વેબ પર લીક થવાથી દેશની સાયબર સંરક્ષણ ક્ષમતાઓ વિશે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઇન્ટરનેટ પર આવી ઘણી વેબસાઇટો છે જેને સામાન્ય રીતે સર્ચ એન્જિન પર બ્રાઉઝ કરી શકાતી નથી. તેને ડાર્ક વેબ કહેવામાં આવે છે. આ એક એવું નેટવર્ક છે જેના સુધી લોકોના પસંદગીના જૂથોની પહોંચ હોય છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
