News of Thursday, 1st May 2025
ભારતીય હુમલાનો ભય :પાકિસ્તાને સરહદ પર લશ્કરી તૈનાતી વધારી :ચીની SH-15 હોવિત્ઝર તૈનાત કર્યા
પાકિસ્તાન સેનાએ રાજસ્થાનના લોંગેવાલા સેક્ટરને અડીને આવેલા તેના વિસ્તારમાં રડાર સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ સિસ્ટમ તૈનાત કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે, ડરી ગયેલું પાકિસ્તાન ભારત સાથેની તેની સરહદો પર સૈન્ય તૈનાત સતત વધારી રહ્યું છે. તેણે આગળના મોરચે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને ચીની SH-15 હોવિત્ઝર તોપો પણ તૈનાત કરી છે.
પાકિસ્તાન વાયુસેના હાલમાં ત્રણ એકસાથે કવાયતો પણ કરી રહી છે, જેમાં તમામ મોટા લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સેનાએ રાજસ્થાનના લોંગેવાલા સેક્ટરને અડીને આવેલા તેના વિસ્તારમાં રડાર સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ સિસ્ટમ તૈનાત કરી છે.
પાકિસ્તાની સેનાએ ભૂમિ સંપત્તિ અને હવાઈ મથકોની સુરક્ષા માટે એરપોર્ટ સુરક્ષા દળ પણ તૈનાત કર્યું છે. દરમિયાન, પાકિસ્તાન વાયુસેના એક સાથે ત્રણ કવાયત કરી રહી છે. તેમને ફિઝા-એ-બદ્ર, લલકાર-એ-મોમીન અને ઝર્બ-એ-હૈદરી નામ આપવામાં આવ્યા છે. આ કવાયતોમાં F-16, J-10 અને JF-17 સહિતના મુખ્ય લડાકુ વિમાનોનો સમાવેશ થયો છે. આ કવાયત મંગળવારથી શરૂ થઈ હતી.
પાકિસ્તાને સુરક્ષા કારણોસર આ મહિને કરાચી અને લાહોર એરસ્પેસના કેટલાક ભાગોને દિવસમાં ચાર કલાક બંધ રાખવાની જાહેરાત કરી છે. દેશના તમામ એરપોર્ટને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય બદલાની આશંકા વચ્ચે આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને ગુરુવારે સરકારી સૂચનાનો હવાલો આપતા અહેવાલ આપ્યો હતો કે, હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 1 મે થી 31 મે સુધી, સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને દેશમાં ભારતીય ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી, પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનોએ ગુરુવારે ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કરી દીધું. પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (PBA)ના જનરલ સેક્રેટરી શકીલ મસૂદે જણાવ્યું હતું કે, PBA એ તાત્કાલિક અસરથી દેશભરના પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કરી દીધું છે.
ભારતીય ગીતો પાકિસ્તાનીઓમાં ખૂબ જ લોકપ્રિય છે, ખાસ કરીને લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો. તેમના ગીતો અહીંના એફએમ રેડિયો સ્ટેશનો દ્વારા દરરોજ પ્રસારિત થતા હતા. પાકિસ્તાની માહિતી મંત્રી અતા તરારે કહ્યું કે પાકિસ્તાની એફએમ સ્ટેશનો પર ભારતીય ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ દર્શાવે છે કે આપણે બધા એક છીએ.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
